ભૂજ હિલ ગાર્ડન ખાતે ફ્લાવર શો રંગ જમાવે છે : લાઇટીંગ સાથેનો નજારો માણવા રાત્રે રહેતો ધસારો
૫૦, ૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા સહેલાણીઓએ મુલાકાત લઇ, નવતર આયોજનને બિરદાવ્યું : પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તંત્રે પરિક્ષાનાં માહોલને અડચણ ન થાય, તે રીતે ગોઠવ્યો તખ્તો : વહીવટી તંત્ર તથા રાજકીય આગેવાનોની લેવાતી મુલાકાતો ઉત્સાહ પ્રેરક બની રહે છે
ભૂજ-કચ્છઉદય : ગત તા. ૨૬-૨થી અહીં પ્રારંભ થયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફલાવર શો રંગ જમાવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં અહીં હિલગાર્ડનની મુલાકાતે આવેલ ભૂજ નાયબ કલેક્ટર અને ભાડાના ચીફ એકઝીકયુટીવ ઓફિસર અનિલ જાદવે પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા માટે આ નવતર પ્રકારનો કહી શકાય તેવું આયોજન છે, જેને કચ્છની જનતાએ બિરદાવ્યું છે, જે લોકોનાં આવાગમનને જોતાં જ વર્તાય છે. આવા સુંદર આયોજન કરી, એક માસ માટે નવલું નજરાણું પ્રસ્તુત કરવા બદલ રોટરી ચેરીટેબલ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા.
હિલ ગાર્ડનનાં ચેરમેન નરેન્દ્ર મીરાણીએ તા. ૩૧-૩ સુધી ચાલનારા આ ફલાવર શો અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી કચ્છવાસીઓ તથા બારાતુ મહેમાનો સહિત પચ્ચાસ હજાર જેટલા મુલાકાતીઓએ આ ફ્લાવર શો નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરેલ છે, જેમાં વીસ હજાર જેટલાં બાળ વિધાર્થીઓનો સમાવેશ થાય છે. અમદાવાદ, રાજકોટ અને જામનગરનાં સફળ આયોજન બાદ કચ્છમાં આ યોજાયેલ આ કાર્યક્રમમાં એંસી લાખના ખર્ચે એકસો જેટલી વિવિધ કલાકૃતિઓ તૈયાર કરવામાં આવેલ છે, જેમાં વિવિધ પશુ-પક્ષીઓ, વાહનો, વ્યક્તિઓ વિગેરેનો સમાવેશ થયેલો છે. ચાલીસ આર્ટિસ્ટોએ ચાર લાખ જેટલાં આર્ટીફીશીયલ ફૂલોનો ઉપયોગ કરી હિલ ગાર્ડનને સજાવેલ છે. લાઇટિંગ સાથેનો નજારો માણવા લોકોનો રાત્રે ધસારો રહેતો હોવાનું ઉમેર્યું હતું.
માધ્યમિક શિક્ષણાધિકારી સંજય પરમાર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ ભૂજ અને તેની આજુબાજુના વિસ્તારની માધ્યમિક-પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ઘડી કાઢવામાં આવેલ આયોજન સંદર્ભે માહિતી આપતા ડો. ઉર્મીલ હાથીએ જણાવ્યું હતું કે, તા. ૧૦-૩ થી ૨૫-૩ દરમિયાન ભૂજ અને તેની આસપાસના વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પરિક્ષાનાં માહોલને અડચણ ન થાય તે રીતે શિક્ષકોની સીધી દેખરેખ હેઠળ ફ્લાવર શોની મુલાકાત લેશે. જે માટે સ્કૂલવાઇઝ સૂચનાઓ પરિપત્રીત કરાઇ છે. આ માટે વિવિધ સલામતીનાં પગલાં લેવા ઉપયોગી સૂચનો પણ કરેલ હતા. ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ડો. નવઘણ આહીર, રોટરી કલબના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, લાયબ્રેરી ચેરમેન પ્રફુલ્લ ઠક્કર, ભરત ત્રિવેદી વિગેરે કરેલ હતી. ચિરાગ પરમાર, પરાગ પરમાર તથા રાજુભાઇ ઠક્કર ફલાવર શોને નિખારવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
-------

Comments