સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી મુખ્યમંત્રીએ કરાવ્યો હતો રાજ્યવ્યાપી પ્રારંભ : ૫.૫૦ લાખ કિશોરીઓને સુરક્ષિત કરવાનું લક્ષ્ય
સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર એચપીવી રસી મુકાવીએ
૧૪ વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા સરકારના અભિયાનમાં જોડાવા વાલીઓને જાહેર અપીલ
ભુજ - કચ્છઉદય : ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટેની આ રસી અંગે ફેલાવવામાં આવતી નકારાત્મક ટિપ્પણીઓ અને અફવાઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાત તબીબોએપાયાવિહોણી ગણાવી છે. આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને દીકરીઓને જીવલેણ કેન્સરથી બચાવવા માટે અનિવાર્ય હોવાનું તબીબોએ ભારપૂર્વક જણાવ્યું છે.
ભારતીય મહિલાઓમાં જોવા મળતા કુલ કેન્સરના કેસોમાં સર્વાઇકલ કેન્સર બીજા ક્રમે છે (લગભગ ૧૭.૭%), ભારતમાં દર ૪ મિનિટ અને ૧૨ સેકન્ડે એક મહિલામાં સર્વાઇકલ કેન્સરનું નિદાન થાય છે. દેશમાં દર ૭ મિનિટે એક મહિલાનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થાય છે. દુર્ભાગ્યે, ભારતમાં લગભગ ૭૦-૭૫% દર્દીઓ બીજા અથવા ત્રીજા સ્ટેજમાં નિદાન માટે આવે છે. ગર્ભાશયના મુખનું કેન્સર ૩૦ થી ૬૯ વર્ષની વયજૂથની મહિલાઓમાં થતા મૃત્યુનું એક મુખ્ય કારણ છે.
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તબીબોના જણાવ્યા મુજબ, ભારતમાં મહિલાઓમાં થતા કેન્સરમાં ગર્ભાશયના મુખનું કેન્સર બીજા ક્રમે છે. વર્ષ ૨૦૨૨ના આંકડા અનુસાર, દેશમાં અંદાજે ૧,૨૭,૫૨૬ નવા કેસ અને ૭૯,૯૦૬ મૃત્યુ નોંધાયા હતા, જ્યારે ગુજરાતમાં ૪૯૨૮ નવા કેસ અને ૧૭૮૧ મૃત્યુ નોંધાયા હતા. આ કેન્સર માટે મુખ્યત્વે એચપીવી ૧૬ અને ૧૮ પ્રકારના વાયરસ જવાબદાર છે. ૧૪ વર્ષની વયે આપવામાં આવતી આ રસી આ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં સૌથી વધુ અસરકારક સાબિત થાય છે.
એચપીવી ચેપ લાંબા સમય સુધી રહે તો તે ૧૦ થી ૨૦ વર્ષમાં આક્રમક કેન્સરમાં ફેરવાય છે. આ લાંબો સમયગાળો પ્રાથમિક નિવારણ માટે સોનેરી તક પૂરી પાડે છે, તેથી કિશોરી અવસ્થામાં ચેપ લાગે તે પહેલા રસી આપવી એ સર્વોત્તમ રક્ષણ છે.
તબીબોએ આ રસીની સુરક્ષા અંગે વૈશ્વિક પુરાવાઓ ટાંકતા જણાવ્યું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગ્લોબલ એડવાઈઝરી કમિટીએ સ્પષ્ટ કર્યું છે કે એચપીવી રસી અને વંધ્યત્વ અથવા અન્ય ગંભીર આડઅસરો વચ્ચે કોઈ જ કારણભૂત સંબંધ નથી. આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અંદાજે ૫.૫૦ લાખ કિશોરીઓને રસી આપવાનું લક્ષ્ય છે. નિઃશુલ્ક રસીકરણઃ બજારમાં એક ડોઝની કિંમત રૂ. ૩,૦૦૦ હોવા છતાં સરકાર રૂ. ૧૫૦ કરોડના ખર્ચે આ રસી વિનામૂલ્યે આપી રહી છે.
રાજ્યમાં રસીકરણની સાથે સાથે ‘મમતા દિવસ’ ના માધ્યમથી દર વર્ષે ૧૩ લાખથી વધુ સગર્ભા બહેનો અને ૧૨ લાખ બાળકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવે છે. રાજ્યકક્ષાએ એચપીવી અભિયાનની તૈયારી અંતર્ગત અધિક મુખ્ય સચિવ દ્વારા સીધું સુપરવિઝન અને જિલ્લા કક્ષાએ વર્ગ-૧/૨ ના અધિકારીઓને સંકલન અધિકારી તરીકે નિયુક્ત કરી કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. કચ્છમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ અને નિષ્ણાત તબીબો વાલીઓને અપીલ કરે છે કે, અફવાઓથી ગેરમાર્ગે દોરાયા વગર પોતાની ૧૪ વર્ષની દીકરીને આ રસી અવશ્ય અપાવે. આ રસી એ ભવિષ્યમાં કેન્સર જેવી જીવલેણ બીમારી સામે દીકરીનું ‘રક્ષક કવચ’ છે.
------

Comments