ગાંધીધામના ચાવલા ચોક પાસે ગેરકાયદે ગેસ રીફીલીંગની પ્રવૃતિ પકડાઈ
લોકોને ફરી એકવાર લોકડાઉન - નોટબંધીનો અહેસાસ થયો..
હાલમાં જયારે ગેસની અછત છે ત્યારે કાળા બજારીઓ બન્યા બેફામ : ૩૦ બાટલા મળી આવ્યા
ગાંધીધામ - કચ્છઉદય : હાલમાં કોમર્શિયલ બાટલા મળતા નથી. હોટલ - રેસ્ટોરન્ટના સંચાલકો સાંઠગાંઠ કરીને ઘરેલુ ગેસના બાટલા લઈ જાય છે પરીણામે જે ગ્રાહક પોતાના ઘર માટે લખાવે તેને છ દિવસે સીલીન્ડર મળે છે. વ્યાપક ફરીયાદો વચ્ચે ગઈકાલે ગાંધીધામમાં ગેસનો બાટલો લેવા માટે લોકોએ રોડ પર લાઈન લગાવતા ફરી એકવાર નોટબંધી અને લોકડાઉનનો અહેસાસ થયો હતો. કાળાબજારીયા બેફામ બન્યા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે પોતાની જવાબદારી નિભાવી છે.
ચાવલા ચોકથી રેલવે કોલોની જતા માર્ગે નિર્મલ ક્રોકરી સેન્ટરમાં તપાસ કરવામાં આવી હતી. અહીં ગેરકાયદે રીતે એલપીજી ગેસના બાટલામાંથી નાના બાટલામાં ગેસ રીફીલીંગ કરવામાં આવતું હતું. ૧૯ કિલોના કોમર્શીયલ એલપીજીના ૧૦ બાટલા, સબસીડી વાળા એલપીજીના ૧૦ બાટલા અને પ કિલોની ક્ષમતા વાળા ૧૦ બાટલા, વજન કાંટો, રીફીલ કરવાની નળી વગેરે મળી ૬પ૪૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એલસીબીએ આ સાથે હરમીતસિંઘ નિર્મલસિંઘ ખાલસાની ધરપકડ
કરી હતી.
........
હોટલ - રેસ્ટોરન્ટમાં ઘરેલુ ગેસનો બેફામ ઉપયોગ : પુરવઠા વિભાગને ચેકીંગ કરવામાં કોની શરમ ?
હાલમાં એકતરફ લોકો ઘર માટે ગેસનો બાટલો ગોતવા ફાંફા મારી રહ્યા છે, બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તાની લારીઓમાં ઘેરલુ ગેસનો બેફામ ઉપયોગ થતો હોવાના આક્ષેપો છે. ચેકીંગ કરવાની જવાબદારી પુરવઠા વિભાગની છે. પરંતુ આ વિભાગને જાણે બીજી પ્રવૃતિમાં રસ હોય તેમ ગેસની કાળાબજારી, ગેરકાયદે રીફીલીંગ, સરકારી અનાજનો ગેરકાયદે વેપલો, ઈંધણની સંગ્રહખોરી સહિતની બાબતે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. અવારનવાર એલસીબી અને પોલીસ દ્વાર કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પુરવઠા વિભાગને જાણે માર્ચ મહિનામાં ગરમી લાગતી હોય તેમ એસી ઓફીસમાંથી બહાર નિકળવાની તસ્દી લેવામાં આવતી નથી તેમ જાણકારો જણાવી રહ્યા છે.
......

Comments