ગાંધીધામમાં ગેસ સિલિન્ડરની અછતથી હાહાકાર : બેફામ કાળો-કારોબાર : તંત્ર-પ્રતિનીધીઓ કયાં છે?
સતત બીજા દિવસે પણ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાંબી લાઈનો લાગી : પુરવઠા વિભાગ વ્યવસ્થામાં કેમ ઉણું ઉતરે છે? પ્રજાકીય પ્રતિનિધીઓ - સરકારી તંત્ર પણ સ્થાનિક સ્વરાજયની જંગમાં વ્યસ્તના વર્તારાથી પ્રજાજનોમાં આંતરીક રીતે વધી રહ્યો છે રોષ
તાત્કાલિક ઉકેલ અને કડક કાર્યવાહી : ગાંધીધામના રહીશોની છે માંગ..! • ગેસ સપ્લાયની ચેઈન તાત્કાલિક રાબેતા મુજબ કરવામાં આવે• ચૂંટણીઓ તો આવતીને જતી રહેશે, પ્રજજનોના ઘરે ઘેસના ચુલા સળગશે તો તેઓ ચુંટણીમાં મતદાન માટે આવી શકશે ને..! પ્રજાજનોનો વિચાર કરો, ચૂંટણી તૈયારીઓના નામે પ્રજાજનોને પીડાઓના હવાલે કરવાનું બંધ કરો • બ્લેક માર્કેટિંગ કરનારા શખ્સો અને એજન્સીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
સિલિન્ડર મેળવવા લોકોની કિલોમીટર લાંબી કતારો; ભીડ કાબૂમાં રાખવા પોલીસ કાફલો તૈનાત, ?૧૫૦૦ સુધીમાં ‘બ્લેક’માં વેચાણ થતું હોવાની વ્યાપક ચર્ચા
ગાંધીધામઃ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની તીવ્ર અછતનો પ્રશ્ન સતત બીજા દિવસે પણ વણઉકેલાયેલો રહ્યો છે. ગેસ એજન્સીઓ પર સિલિન્ડર મેળવવા માટે વહેલી સવારથી જ લોકોના ટોળેટોળા ઉમટી પડતા અનેક સ્થળોએ આશંકિ ગેરવ્યવસ્થાઓનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ભીડને કાબૂમાં લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો જનતાનો આ આક્રોશ આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તો પણ પાછલા બે દીવસથી અહી સર્જાઈ રહેલા ચિત્રને જોતા નવી નવાઈ નહી કહેવાય.
..........
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઝભ્ભાલેંગાવાળાઓ વ્યસ્ત, સરકારી તંત્ર અને પ્રજાજનો હાલાકીના હવાલે
હાલમાં તંત્ર અને પ્રજાકીય પ્રતિનિધિઓ ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ અને પ્રચારમાં ગળાડૂબ હોવાથી સામાન્ય જનતાની પાયાની જરૂરિયાતો પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું હોવાનો સૂર ઉઠ્યો છે. પ્રજાના પ્રતિનિધિઓ મતો મેળવવાના ગણિતમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ સામાન્ય નાગરિકોને રાંધણ ગેસ જેવી પ્રાથમિક સુવિધા માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં આંતરિક જનક્રોશ સતત વધી રહ્યો છે.
.........
શું ગાંધીધામમાં ઈસીએ લાગુ નથી પડતો?ઃ
બ્લેક માર્કેટિંગનો ફૂલેલો-ફાલેલો વેપાર
ગાંધીધામઃ અછતની આ તકનો લાભ ઉઠાવીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેસ સિલિન્ડરનું કાળાબજાર (બ્લેક) કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, જે સિલિન્ડર માટે સામાન્ય માણસ કલાકો સુધી લાઈનમાં ઉભો રહે છે, તે જ સિલિન્ડર ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા જેવી તોતિંગ કિંમતે બ્લેકમાં વેચાઈ રહ્યો છે. તંત્રની ઢીલી નીતિને કારણે આ બ્લેક માર્કેટિંગ કરનારાઓને મોકળું મેદાન મળી ગયું છે.
........

Comments