ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ધોરણ ૧૦ની વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને બ્લેકમેઈલ કરી લાખોની ખંડણી માંગનાર અને અભદ્ર ફોટા વાયરલ કરનાર શખ્સને જેલના સળિયા પાછળ જ રહેવા અદાલતનો આદેશ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક સગીર વયની વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં પકડાયેલા આરોપી દિપ વાડીલાલ સોલંકીની જામીન અરજી નામદાર કોર્ટે ફગાવી દીધી છે. આ ઘટનાની વિગત મુજબ, સુરેન્દ્રનગરના રહેવાસી આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર સગીરાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેની સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ વાતચીત શરૂ કરીને આરોપીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું હતું અને સગીરાને વિડિયો કોલ કરવા માટે દબાણ કરી તેની ચેટ વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા આરોપીએ કચ્છ આવીને સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધી તેના વાંધાજનક ફોટા પાડી લીધા હતા.
આરોપીએ ત્યારબાદ આ ફોટા અને વિડિયો ડીલીટ કરવાના બહાને સગીરા પાસે નાણાંની માંગણી કરી હતી. સગીરાએ ડરના માર્યા ઓનલાઈન પૈસા મોકલ્યા હોવા છતાં આરોપીએ ધાક-ધમકી અને બ્લેકમેઈલિંગ ચાલુ રાખ્યું હતું. આરોપીએ સગીરાના પિતાને ફોન કરી પુત્રીને ભગાડી જવાની ધમકી આપી હતી અને સગીરાના સબંધીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફોટા મોકલી લાખો રૂપિયાની ખંડણી માંગી હતી. આ મામલે પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપીએ જામીન પર મુક્ત થવા અરજી કરી હતી, જેનો મૂળ ફરિયાદી પક્ષના વકીલ દેવાયત એન. બારોટ અને સરકારી વકીલ એચ.બી. જાડેજાએ સખત વિરોધ કર્યો હતો. ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે આવા કિસ્સાઓ સમાજમાં વધી રહ્યા છે, જે સ્ત્રીઓ અને બાળકોના ભવિષ્ય માટે જોખમી છે. ચાર્જશીટ બાદ આરોપી સામેનો કેસ વધુ મજબૂત બન્યો છે અને કેસ અત્યારે નાજુક તબક્કે હોવાથી જો આરોપીને જામીન આપવામાં આવે તો સાક્ષીઓ પર પ્રભાવ પડી શકે છે અને સમાજમાં ખોટો સંદેશ જઈ શકે તેમ છે. બંને પક્ષોની દલીલો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને રાખી સ્પેશિયલ પોકસો જજ જે.એ. ઠક્કરે આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો છે.
-------

Comments