પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂ. ૨૦,૩૮૩ કરોડનો ટોલ વસૂલાયા
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો જવાબ આપ્યો
ભુજ - કચ્છઉદય : : કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. ૨૦,૩૮૩ કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂા. ૪૭,૨૩૬ કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ ૧૧ માર્ચના રાજ્યસભામાં માહિતી આપી હતી.
શ્રી નથવાણીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર વસૂલવામાં આવેલા ટોલ અને તે જ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇવેના બાંધકામ અને જાળવણી માટે રાજ્યને ફાળવાયેલા ભંડોળની વિગતો માંગી હતી. વધુમાં, તેમણે ગુજરાતના હાઇવે પ્રોજેક્ટ્સ, ખાસ કરીને મુંબઈ - અમદાવાદ, સુરત-દહીંસર અને અમદાવાદ- રાજકોટ -જેતપુર રૂટ પર હાલ ચાલી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમયમર્યાદા વિશે પણ પુચ્છા કરી હતી. ઉપરાંત ભરૂચ - સુરત અને અમદાવાદ - હિંમતનગર હાઇવે સહિત ગુજરાતના મુખ્ય હાઇવે રૂટ પર પડેલા અસંખ્ય ખાડા અને રોડની તૂટી ગયેલી સપાટીના સંદર્ભમાં સરકારે લીધેલાં પગલાં વિશે પણ જાણવા માંગતા હતા. વાપી-સુરત અને સુરત-ભરૂચના સ્ટ્રેચ વિશે માહિતી આપતા, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સિક્સ-લેનિંગ કાર્ય પૂર્ણ થયા બાદ તે બધા રોડ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ મોડ પર જાળવણી હેઠળ છે. ૧૬ પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
લેખિત જવાબમાં માહિતી અપાઈ હતી કે, ભરૂચ - વડોદરા સ્ટ્રેચનું સિક્સ-લેનિંગ કામ વર્ષ ૨૦૧૧માં પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં જાળવણી હેઠળ છે. ૭ પુલ અને ફ્લાયઓવર / વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જ્યારે, વડોદરા - અમદાવાદ વચ્ચેના સિક્સ - લેનિંગ કામ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે, શામળાજી - મોટા ચિલોડા વચ્ચેના સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે, એમ જણાવવામાં આવ્યું હતું. શ્રી ગડકરીએ એ પણ માહિતી આપી હતી કે રાજકોટ - જેતપુર સેક્શનનું સિક્સ-લેનિંગ કામ પ્રગતિ હેઠળ છે અને જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. હાલ રાજકોટ - અમદાવાદ પ્રોજેક્ટ ગુજરાત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે અને તેમના પોતાના બજેટ સંસાધનો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ પણ અમલીકરણ હેઠળ છે જે માર્ચ-૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તેવી માહિતી આપવામાં આવી હતી.
ટોલ વસૂલાત અને ફાળવણી (રૂ. કરોડમાં)
વર્ષ ટોલ કલેકશન હાઈવેના વિકાસ
માટે ફાળવણી
૨૦૨૦-૨૧ ૩૧૭૮.૫૮ ૭૫૩૩
૨૦૨૧-૨૨ ૩૭૪૪.૩૬ ૧૦૭૧૦
૨૦૨૨-૨૩ ૪૦૯૦.૦૪ ૯૮૩૧
૨૦૨૩-૨૪ ૪૩૯૪.૮૨ ૧૦૯૦૦
૨૦૨૪-૨૫ ૪૯૭૫.૨૦ ૮૨૬૨
------

Comments