મહાનગરપાલિકા ચૂંટણી પહેલાં જ ગાંધીધામ કોંગ્રેસમાં ખુરશી માટે ઘમાસાણ?
શહેર પ્રમુખપદની નિમણૂક મુદ્દે કાર્યકરોમાં આતંરીક ચર્ચાઓ તેજ : ભરત ગુપ્તા અને નિલેશ ભાનુશાલીના સમર્થકો વચ્ચે દાવા - પ્રતિદાવા
નિમણુંકો કરવી એ પાર્ટી કક્ષાનો નીર્ણય છે, આ બાબતે હું વિશેષ કંઈ જ કહી ન શકુ : ભરતભાઈ ગુપ્તા
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે બીજીતરફ કોંગ્રેસ પાર્ટીમાં શહેર પ્રમુખપદની નિમણૂક મુદ્દે આંતરિક ખેંચતાણ બહાર આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વર્તમાન પ્રમુખ અને અન્ય નેતાને સુકાની તરીકે વરણી કરવામાં આવી હોવાના દાવા સામે આવતા કોંગ્રેસના કાર્યકરો બે છાવણીમાં વહેંચાઈ ગયા હોવાની ચર્ચા જોર પકડતી જઈ રહી છે.મનપાના ૧૩ વોર્ડની કુલ ૫૨ બેઠકો માટે આગામી દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સંગઠન મજબૂત કરવા અને ઉમેદવારી માટે તૈયારીમાં લાગી ગયા છે. આવા સમયે ભાજપ સામે મજબૂત ટક્કર આપવા માટે કોંગ્રેસમાં એકતા જરૂરી હોવા છતાં આંતરિક ગોટાળો અને ટાંટિયા ખેંચ શરૂ થઈ જતા પાર્ટીના ભવિષ્ય અંગે કાર્યકરોમાં ચિંતા વ્યક્ત થવા લાગી છે.પાર્ટીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કોંગ્રેસની એક લોબી દ્વારા વર્તમાન શહેર પ્રમુખ ભરત ગુપ્તાને પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ દ્વારા ફરીથી શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમર્થકોના જણાવ્યા મુજબ ભરત ગુપ્તાના નેતૃત્વ હેઠળ પાર્ટી સંગઠન મજબૂત બન્યું છે અને આગામી મનપા ચૂંટણીમાં પાર્ટીને લાભ થશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ કોંગ્રેસની બીજી લોબી દ્વારા અગાઉ નપા.માં વિપક્ષ તરીકે સક્રિય ભૂમિકા ભજવનાર નેતા નિલેશ ભાનુશાલીને શહેર પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમના સમર્થકોનું માનવું છે કે નિલેશ ભાનુશાલી પાસે સંગઠનને એકતામાં બાંધવાની ક્ષમતા છે અને તેઓ ચૂંટણી સમયે કાર્યકરોને સાથે લઈને
પાર્ટીને મજબૂત બનાવી શકે છે. બંને દાવાઓ વચ્ચે હાલ કોંગ્રેસના કાર્યકરોમાં ગૂંચવણ અને ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. બંને ગ્રુપના સમર્થકો પોતાના નેતાને સક્ષમ ગણાવી સોશિયલ મીડિયા અને રાજકીય મંચો પર દલીલો કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો એકબીજા સામે
આક્ષેપો પણ થઈ રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. બીજીતરફ આ બાબતે ભરતભાઈ ગુપ્તાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, નિમણુક કરવી તે પાર્ટી સ્તરનો નિર્ણય હોય છે, એ બાબતે હું કોઈ જ વ્યકિતગત ટીપ્પણી કરી ન શકુ. તો બીજીતરફ સંકુલના રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે મનપા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં એકતા જાળવવી અત્યંત જરૂરી છે. આંતરિક મતભેદ અને ખેંચતાણ ચાલુ રહેશે તો તેનો સીધો લાભ વિરોધી પક્ષને મળી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પણ સમયસર દખલ કરી યોગ્ય નિર્ણય લેવાની જરૂર હોવાનું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ કોંગ્રેસના કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે અંતે શહેર પ્રમુખપદ માટે કોની સત્તાવાર નિમણૂક થશે અને શું પાર્ટી સૌને સાથે લઈને ચાલે તેવા આગેવાનને આગળ લાવી સંગઠનને મજબૂત બનાવી શકશે કે નહીં. આગામી દિવસોમાં પ્રદેશ નેતૃત્વ શું નિર્ણય લે છે તે તરફ સૌની નજર મંડાઈ છે.

Comments