Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં કોમર્શિયલ ગેસના કાળાબજારીયા તત્વો સક્રિય : ઘરેલુ સિલિન્ડરનો કાળો વપરાશ વધ્યો’

11 March

યુદ્ધની આગમાં કચ્છમાં હોટેલ-રેસ્ટોરન્ટ-નાના ધંધાર્થીઓના રસોડાં હોમાયા 



પશ્ચિમ એશિયાના સંઘર્ષની સીધી અસર સરહદી જિલ્લાના બજાર પર : કોમર્શિયલ ગેસના ભાવ ૩૫૦૦ને પાર

કેન્દ્ર સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ ૧૯૫૫ અમલી બનાવ્યો : અનેક હોટેલ, રેસ્ટોરન્ટ સંચાલકો અને ખાણીપીણીના લારી-ગલ્લા ધારકો કોમર્શિયલ સિલિન્ડરના બદલે ઘરેલુ વપરાશના રાંધણ ગેસના બાટલાઓનો કરી રહ્યા છે ધૂમ વપરાશ 



ભુજ - કચ્છઉદય : પશ્ચિમ એશિયાના યુદ્ધના પગલે સર્જાયેલા વૈશ્વિક ગેસ સંકટની સીધી અસર હવે સરહદી કચ્છ જિલ્લાના રસોડા અને હોટેલ ઉદ્યોગ પર વર્તાઈ રહી છે. હોર્મુઝ જળમાર્ગ ખોરવાતા એલએનજીના પુરવઠામાં જે મોટાપાયે કાપ આવ્યો છે તેને પહોંચી વળવા કેન્દ્ર સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ ૧૯૫૫ અમલી બનાવ્યો છે. જોકે, આ કાયદાકીય કડકાઈ અને કોમર્શિયલ ગેસના પુરવઠા પર મુકાયેલી રોક બાદ કચ્છમાં એક ચિંતાજનક ચિત્ર ઉપસી રહ્યું છે. જિલ્લામાં કાર્યરત અનેક હોટેલ, રેસ્ટોરન્ટ સંચાલકો અને ખાસ કરીને ખાણીપીણીના લારી-ગલ્લા ધારકો નિયમ વિરુદ્ધ જઈને કોમર્શિયલ સિલિન્ડરના બદલે ઘરેલુ વપરાશના રાંધણ ગેસના બાટલાઓનો ધૂમ વપરાશ કરી રહ્યા છે. બજારમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચીને ૩૫૦૦ રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે અને તે પણ બ્લેકમાં વેચાઈ રહ્યા હોવાથી આર્થિક બચત કરવાના આશયથી વ્યાપારી એકમો ઘરેલુ ગેસ ચોરી તરફ વળ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ  નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ દેશભરમાં ‘આવશ્યક વસ્તુ અધિનિયમ-૧૯૫૫’ અમલી બનાવવામાં આવ્યો છે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ જળમાર્ગ ઠપ થતાં એલએનજી પુરવઠામાં જે કાપ મુકાયો છે, તેનો સૌથી મોટો ફટકો કચ્છ સહિત ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને પડ્યો છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા તેઓની મુશ્કેલી વધી છે. કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બંધ થતા રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર કેવી અસર થશે તે જાણવા અમે ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અને અન્ય હોદેદારો સાથે વાતચીત કરી હતી. જોકે રાજ્ય સરકારે કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બરોબર હોવાની હૈયાધારણા આપી છે.  જિલ્લામાં  કાળાબજારિયાઓ સક્રિય થઈ ગયા છે. બજારમાં સરેરાશ ૧૯૦૦ રૂપિયાની આસપાસ મળતો કોમર્શિયલ બાટલો અત્યારે ૩૫૦૦ રૂપિયાના તોતિંગ ભાવે બ્લેકમાં વેચાઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ આર્થિક બોજને કારણે કેટલાક નાના વેપારીઓ અને ખાણીપીણીના લારી-ગલ્લા ધારકો હવે ગેરકાયદેસર રીતે ઘરેલુ રસોઈ ગેસના સિલિન્ડરો વાપરતા થઇ ગયા છે.  કચ્છ જિલ્લામાં હંમેશાથી ઘરેલુ ગેસના વ્યાપારી વપરાશનો પ્રશ્ન ચર્ચામાં રહ્યો છે. હોટેલ સંચાલકો અને લારી-ગલ્લા ધારકો નિયમ મુજબ બ્લુ રંગના કોમર્શિયલ સિલિન્ડર વાપરવાના બદલે ઘરેલુ વપરાશના ૧૪.૨ કિલોના બાટલાઓનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોને સમયસર રિફિલિંગ મળવામાં મુશ્કેલી ઉભી થશે. સરકારની નવી માર્ગદર્શિકા મુજબ ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનો આદેશ છે, પરંતુ જો આ જ જથ્થો હોટેલોમાં ડાયવર્ટ થઈ જશે તો ગરીબ અને સામાન્ય જનતાના ઘરે ચૂલો સળગવો મુશ્કેલ બની જશે. જિલ્લાના ભુજ, ગાંધીધામ, અંજાર અને મુંદ્રા જેવા શહેરી વિસ્તારોમાં હાઈવે પરની હોટેલોમાં પણ ગેરકાયદેસર જોડાણો અને ઘરેલુ બાટલાઓનો મોટો જથ્થો હોવાની આશંકા સેવાઈ રહી છે.
ભૂતકાળમાં કચ્છના પુરવઠા વિભાગે ઘરેલું વપરાશના બાટલાના ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ માટે અનેક રેસ્ટોરન્ટ્‌સ પર દરોડા પાડીને હજારો રૂપિયાનો દંડ વસૂલ્યો હતો અને ગેરકાયદે બાટલા જપ્ત કર્યા હતા. જોકે, વર્તમાન ગંભીર સ્થિતિમાં તંત્રની મૌન ભૂમિકા શંકા ઉપજાવે છે. જ્યારે કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે કાળાબજાર અને જમાખોરી અટકાવવા આદેશ આપ્યા છે, ત્યારે કચ્છમાં ૩૫૦૦ રૂપિયામાં ગેસ કેવી રીતે વેચાઈ રહ્યો છે તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિક રહીશો અને 
જાગૃત નાગરિકોની માગ છે કે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવે અને હોટેલો તેમજ લારી-ગલ્લાઓ પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવે. જો વ્યાપારી એકમો પાસે કોમર્શિયલ સિલિન્ડરના સત્તાવાર બિલ ન મળે, તો તેમની સામે આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ ફોજદારી ગુનો નોંધીને કડક દાખલો બેસાડવો જોઈએ. 



.......................


હોટેલ ઉદ્યોગ પર મોટું સંકટ : શ્રમિકોની રોજીરોટી પર સંકટ

ભુજ - કચ્છઉદય : નેશનલ રેસ્ટોરેન્ટ એસોસિએશનના અહેવાલ મુજબ જો આગામી દિવસોમાં ગેસનો પુરવઠો સામાન્ય નહીં થાય તો દેશભરમાં ૨૦ થી ૩૦ ટકા હોટેલોને તાળા લાગી શકે છે. કચ્છમાં પણ સ્થિતિ તેનાથી અલગ નથી. મોંઘાદાટ ગેસને કારણે અનેક હોટેલ માલિકોએ મેનુના ભાવ વધારી દીધા છે અથવા તો કામકાજ મર્યાદિત કરી દીધું છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો શ્રમિકોની રોજીરોટી પર પણ તલવાર લટકી રહી છે. એક તરફ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય કટોકટી છે અને બીજી તરફ સ્થાનિક સ્તરે વહીવટી તંત્રની ઢીલી નીતિને કારણે સામાન્ય જનતા અને પ્રામાણિક વેપારીઓ બંને પિસાઈ રહ્યા છે. હવે સરકાર આ કાળાબજારિયાઓ સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાણી છે. 



...........................


ગેસ વિતરણમાં ઘરવપરાશ અને હોસ્પિટલોને પ્રાથમિકતા

ભુજ - કચ્છઉદય : વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ખેંચતાણ અને અનિશ્ચિતતાની સ્થિતિ વચ્ચે ગેસના પુરવઠાને જાળવી રાખવા માટે સરકારી ઓઈલ કંપનીઓએ મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ગેસના વિતરણમાં સામાન્ય જનતાના ઘરવપરાશ તેમજ હોસ્પિટલો અને શાળાઓ જેવી અનિવાર્ય સેવાઓને પ્રથમ 
પસંદગી આપવામાં આવશે. બીજી તરફ, હોટલ કે ફેક્ટરી જેવા કોમર્શિયલ સેક્ટર્સ માટે ગેસ મેળવવો હવે સરળ નહીં રહે. વ્યવસાયિક એકમોને ગેસ મેળવવા માટે સીધી મંજૂરી આપવાને બદલે ઓઈલ કંપનીઓના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સની એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી જે-તે સંસ્થાની વાસ્તવિક જરૂરિયાત અને હાલના ઉપલબ્ધ સ્ટોકની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ ગેસ ફાળવવો કે નહીં તેનો આખરી નિર્ણય લેશે. જે સંસ્થાઓને ગેસની તાતી જરૂરિયાત હોય તેમણે આ માટે આઈઓસીએલ, બીપીસીએલ અથવા એચપીસીએલના ઉચ્ચ અધિકારીઓને ઈમેલ દ્વારા જાણ કરવાની રહેશે. પુરવઠાની અછત ન સર્જાય તે હેતુથી લેવાયેલો આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ સાબિત થશે.


................



કચ્છમાં કોમર્શિયલ ગેસની અછત વચ્ચે રિફિલિંગનું ગેરકાયદે નેટવર્ક ફરી સક્રિય

ભુજ - કચ્છઉદય : પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી યુદ્ધની સ્થિતિને પગલે કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ ગેસના પુરવઠા પર નિયંત્રણો લાદવામાં આવતા રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ભારે ચિંતા વ્યાપી છે. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી કચ્છ જિલ્લામાં ઘરેલુ વપરાશના રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા તત્વો ફરી બેફામ બન્યા છે. જિલ્લામાં લાંબા સમયથી ચાલતી આ જોખમી હેરાફેરી અટકાવવા અગાઉ અનેકવાર દરોડા પાડવામાં આવ્યા હોવા છતાં તંત્ર આ પ્રવૃત્તિ પર સંપૂર્ણ અંકુશ મેળવવામાં નિષ્ફળ રહ્યું હોય તેમ જણાય છે. હાલમાં કોમર્શિયલ બાટલાની સર્જાયેલી 
કૃત્રિમ અછત વચ્ચે આ ગેરકાયદેસર સેન્ટરો ફરી ધમધમતા થયા છે, ત્યારે વહીવટી અને પુરવઠા વિભાગ દ્વારા આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે લોકહિતમાં અનિવાર્ય બન્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM