દુબઈમાં ફસાયેલા ૧૨૫ ભારતીયોની વહારે દોશી પરિવાર અને અલ મિઝાન ગ્રુપ
અસરગ્રસ્ત પરિવારો માટે રહેઠાણ અને ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ : બાળકો માટે રમકડાં અને મનોરંજન સાથે ઘર જેવું વાતાવરણ પૂરું પડાયું
ભુજ - કચ્છઉદય : દુબઈમાં છેલ્લા ૨૮ વર્ષથી સ્થાયી થયેલા અને જાણીતા અલ મિઝાન ગ્રુપના સંચાલક દોશી પરિવારે પ્રાદેશિક સંઘર્ષના કારણે ઊભી થયેલી અનિશ્ચિતતામાં ફસાયેલા ૧૨૫થી વધુ ભારતીય નાગરિકોની વહારે આવીને અનોખી સમાજ ભાવના દર્શાવી છે. ઈન્ડિયન પીપલ્સ ફોરમ અને ભારતીય કોન્સ્યુલેટ જનરલના સંકલન સાથે યોગેશભાઈ દોશી અને અશોકભાઈ દોશીએ આ મુશ્કેલ સમયમાં ભારતીય પરિવારોને પૂરતો સહયોગ આપ્યો છે. જેમાં પાંચ મહિનાના શિશુથી લઈને ૧૩ વર્ષ સુધીના ૧૫ બાળકો સહિતના તમામ મુસાફરો માટે આધુનિક સુવિધાયુક્ત ૨૦ એપાર્ટમેન્ટ્સ ફાળવવામાં આવ્યા હતા.
આ માનવતાવાદી કાર્યમાં માત્ર આશ્રય જ નહીં પરંતુ દિવસમાં ત્રણ સમયનું પૌષ્ટિક ભોજન, જિમ્નેશિયમ અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. નીલાબેન દોશીએ તમામ મહેમાનોને વ્યક્તિગત રીતે મળીને સકારાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે પર્લ દોશી દ્વારા બાળકોને રમકડાં અને ચોકલેટ આપીને તણાવમુક્ત રાખવાનો પ્રયાસ કરાયો હતો. આ મુસાફરોના ઉત્સાહમાં વધારો કરવા માટે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ ફાઈનલનું ખાસ સ્ક્રીનિંગ યોજીને વિજયની ઉજવણી મીઠાઈ અને નાસ્તા સાથે કરવામાં આવી હતી.
અલ મિઝાન ગ્રુપના ચેરમેન યોગેશ દોશીએ યુએઈના નેતૃત્વ અને સુરક્ષિત વાતાવરણ પ્રત્યે આદર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે ભારતીય પરિવારો મુશ્કેલીમાં હતા ત્યારે તેમને મદદ કરવી એ અમારી નૈતિક ફરજ હતી. તેમણે ઉમેર્યું હતું કે જે દેશ અને શહેરે અમને આટલું આપ્યું છે તેને પરત આપવાનો આ એક અવસર હતો. દોશી પરિવારના આ નિઃસ્વાર્થ પ્રયાસોએ સાબિત કર્યું છે કે વિદેશની ધરતી પર પણ ભારતીયતા અને એકતાની ભાવના જીવંત છે. આ કપરા સમયમાં ફસાયેલા ભારતીયોને સલામતી અને હૂંફ આપીને પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
-------
કચ્છી દાતાની દુબઈમાં દિલેરી
ભુજ - કચ્છઉદય : દુબઈમાં અચાનક ઈરાન-ઈઝરાઈલ વચ્ચેના યુદ્ધના કારણે સાવચેતીરૂપ પગલાં માટે એરસ્પેસ બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે હજારો પ્રવાસીઓ એરપોર્ટ પર અને હોટલોમાં ફસાયા હતા. તેમણે ઈન્ડિયન કાઉન્સીલેટને ગુહાર લગાવતા તેમની વિનંતી અને ‘કચ્છીપણું’ ની ઓળખ સાથે યોગેશભાઈ દોશી અને અશોકભાઈ દોશીએ આઈપીએફ ‘ઈન્ડિયન પીપલ ફોરમ’ની ટહેલ પર તુરંત જ બીડું ઝડપ્યું અને પોતાના પ૦થી વધુ ફલેટ અને ટીમ સાથે વિદેશની ધરતી પર પોતાપણું લઈ નીલાબેન અને કરૂણાબેન બધા જ ભારતીયોની વ્હારે આવ્યા. તેમણે ચા, નાસ્તો, જમવાનું અને બાળકો માટે રમકડાં તથા ફ્રુટ સાથે ‘કચ્છીયત’ છલકાવી દરેકને ઉમળકાભેર આવકાર સાથે પોતાના ઘરે ૧પ૦થી વધુ લોકોને આશ્રય આપ્યો હતો સાથે તેમને નવી ફલાઈટ ન મળે ત્યાં સુધી સાંત્વના અને બાળકો તથા મોટાઓને વિદેશમાં પણ દેશનો અનુભવ કરાવ્યો છે.
કચ્છના દરેક લોકો માટે વિદેશમાં મદદ માટે તત્પર રહેતા આ બંધુઓ કચ્છમાં પણ પોતાના સંતાનોના લગ્નપ્રસંગો પર ર થી પ લાખ વૃક્ષોનું વાવેતર કરી અને પ૦ બાળકોને ભણાવાથી લઈને નાનામાં નાના ગામમાં આરોગ્ય કેમ્પ તેમજ સુરક્ષાના જવાનો માટે ‘હાર્ટ પ્રિવેન્શન’ માટે ખૂબજ કાર્યરત રહે છે. આ જ ‘કચ્છીયત’ તેમણે વિદેશની ધરતી પર દર્શાવી આપણા કચ્છનું નામ રોશન કર્યું છે.
------------

Comments