Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં જૈનાચાર્યોના પ્રવેશે સામૈયામાં ભાવિકો ઉમટ્યા 

10 March


વિવિધ ચડાવામાં દાતાઓ મુશળધારે વરસ્યા 

ભુજ - કચ્છઉદય : આરાધના ભવન જૈનસંઘ - ભુજના આંગણે કચ્છ - વાગડના કર્ણધાર પ.પૂ. આ.ભ. શ્રીમદ્દ વિજયકલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય રત્ન, પ્રખર પ્રવચનકાર યુવા ઉદય સમ્રાટ પ.પૂ. આ.ભ. કીતિચંદ્ર સૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ.ભ. કીર્તિદર્શન સૂરીજી મ.સા., આદિ શ્રમણ - શ્રમણી વૃંદ, ૧ર વર્ષના લાંબા સમયગાળા બાદ પધારતા સંઘ હિલોડે ચડ્યો હતો અને પૂ.શ્રીઓના સામૈયા, પ્રવચન માળા આદિમાં ભાવિકો ઉમટ્યા હતા. ચડાવામાં શ્રી સંઘને માતબર આવક થઈ હતી. પૂ.શ્રીઓનું દિલ્લીવાલા હોસ્પિટલ પાસેથી વાજતે ગાજતે સામૈયું કરાયું હતું. હોસ્પિટલ રોડથી સામૈયુ આગળ વધતા રોડની બંને તરફ સ્વયંભૂ ઉમેટલા માનવ મહેરામણે પૂ. ગુરૂ દેવોને અક્ષતથી વધાવ્યા હતા અને ગુરૂજી હમારે આયે હૈ નયી રોશની લાયે હૈ ના ગગનભેદી નાદ સાથે વાતાવરણ મહેંકી ઉઠ્યું હતું. 
સામૈયાની પૂર્ણાહુતિ બાદ પૂ.શ્રીની યોજાયેલા પ્રવચન માળામાં પ.પૂ. આ.ભ. કીર્તિચંદ્ર સૂરીશ્વરજી મ.સા. ભાવિકોને જણાવ્યું હતું કે, અનાદી કામથી પરમાત્મા સાથેના આપણા ગાઢ સબંધો છે. તેમની કૃપાથી મનુષ્ય ભવ અને જીન શાસનની પ્રાપ્તી થઈ છે. આગળના ચરણમાં શ્રી સંઘ દ્વારા બોલાવેલ ઉછામણીમાં (ચડાવામાં) સુવર્ણમય મહાવીર સ્વામી ભગવાનને ભરાવવાનો લાભ ઝવેરબેન કાન્તિલાલ અમૃતલાલ વોરા પરિવારે, સુવર્ણમય સિદ્ધચક્રજીને ભરાવવાનો લાભ લક્ષ્મીબેન રતિલાલ રામજીભાઈ ભણસાલી પરિવારે, રજતમય નેમીનાથ ભગવાન ભરાવવાનો લાભ નાતુબેન કાનજી પાનાચંદભાઈ વોરા પરિવાર, રજતમય સિદ્ધચક્ર ભગવાન ભરાવવાનો લાભ રંજનબેન શાંતિલાલ મણિલાલ લોરિયા પરિવારે અને નવકારસીનો લાભ ચંપાબેન ચમનલાલ જેચંદભાઈ વોરા પરિવારે લીધો હતો. આ અવસરે મેનેજીંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા, માનદમંત્રી ચંદુલાલભાઈ ગઢેચા, હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળ, સંઘના વડિલ દલિચંદભાઈ મહેતા, સમાજ તથા યુવા ગ્રુપના હોદ્દેદારો, કાર્યકરો, યુવાનો, ભાવિકો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેવું મીડિયા કન્વિનર વેલજીભાઈ ગણેશભાઈ મહેતાએ જણાવ્યું હતું. 
------

Comments

COMMENT / REPLY FROM