રોડ ટુ હેવન માટે માતબર રકમની ફાળવણી બદલ સાંસદે વ્યક્ત કર્યો આભાર
ભુજ - કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીનભાઈ ગડકરી, ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડાના લોકસભા મતક્ષેત્રનાં ગુજરાતના કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર - ૭૫૪કે (ઘડુલી-સાંતલપુર રોડ)ના ૧૬૫.૫૮ કિમી લાંબા લખપત - ઘડુલી - ઝારા - હાજીપીર - ખાવડા - રોડ ટુ હેવન - ધોળાવીરા રોડ સેકશનને કુલ રૂ. ૬૫૦.૪૨ કરોડના ખર્ચે બે લેન પેવ્ડસોલ્ડર (૧૦ મી) સાથે પહોળો કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટમંત્રી નિતીનભાઈ ગડકરીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કચ્છ પ્રદેશનું ગુજરાતના બાકીના ભાગ સાથે જોડાણ સુધારશે. કચ્છમાં દર વર્ષે અનેક મોટા ઉત્સવો જેવા કે ધોરડો ખાતેના રણોત્સવ, વિશ્વ વિખ્યાત ધોળાવીરાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, જેની પહોંચ આ કોરિડોર પર આધારિત છે. આ હાઇવે કચ્છમાં મુખ્ય ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે માલસામાનની અવરજવરને પણ સરળ બનાવશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસમાં ફાળો આપશે.
હાલમાં હયાત રસ્તો સિંગલ લેન હોવાથી ખૂબ જ ભીડ-ભાડવાળો છે અને અકસ્માતો થવાની સંભાવના વધારે છે. હવે ૨-લેનવાળા રસ્તામાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો થશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેના પરિણામે સલામત અને વધુ કાર્યક્ષમ મુસાફરી થશે અને સાથે સાથે ઇંધણ કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. વધુમાં પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક વિકાસ ને ખુબ વેગ આપશે. કચ્છ - મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જાહેરાતને આવકારતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોનો વિકાસ થઈ રહ્યો છે. આમ ભારત સરકારે કચ્છ જિલ્લાના વિકાસ કામોને અગ્રતા આપવા બદલ તેમને હૃદયપૂર્વક બિરદાવ્યા હતા.
------

Comments