માધાપર જખ મંદિર ખાતે લગ્ન આશિષ યોજના અંતર્ગત ૯ મા લગ્ન યોજાયા
ભુજ - કચ્છ ઉદય : માધાપર જખ બૌતેરા સંઘ દ્વારા સામાજિકદાયિત્વનિભાવવાના હેતુસર હિન્દુ સમાજના સામાન્ય ઘરના પરિવારની દિકરી ના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેવા ના પડે અને દીકરીના વડીલો માનભેર પોતાની દીકરીના લગ્ન કરી શકે તે માટે જખદાદાના લગ્નઆશિષ યોજના થોડાક સમય પહેલા શરૂ કરવામાં આવી હતી. નવમાં લગ્ન સાંયરા યક્ષના વસંતભાઈ વાળંદના પુત્રી ચિ. પુજા સંગે ભુજ તાલુકાના માધાપરના પ્રેમજીભાઈ રાઠોડના પુત્ર ચિ. નંદિપ સંગાથે જખમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા સમજન મહાજનની ઉપસ્થિતિમાં યોજાયા હતા. આ વિશે વધુ માહિતી આપતા માધાપર જખબૌતેરા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યુ હતું કે, ૧પ વર્ષ પહેલા અમારા વડીલ મુરબ્બી અનશનવ્રતધારી, જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલ મહાજનનું મામેરૂ યોજનાથી પ્રેરીત થઈ ટ્રસ્ટ દ્વારા આજથી થોડાક મહિના અગાઉ જખ દાદાના લગ્નઆશિષ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતગર્ત સંસ્થા દ્વારા લગ્ન માટે હોલ, વર-વધુને તૈયાર થવા માટે ર રૂમ, ચોરી-મંડપ, મારાજ, બંને પક્ષે ૧પ૦ જણા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ પણ હિન્દુ સમાજના પરિવારજનો આ યોજના અંતગર્ત પોતાની દિકરીના લગ્ન કરાવી મોંઘા લગ્ન ચિંતામાંથી મુકિત મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત અમારી સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ધાસચારો, કબુતરને ચણ, કુતરાને રોટલા આપવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિના લોકો માટે સાદડી - બેસણા માટે સંસ્થા દ્વારાનિઃશુલ્ક હોલ આપવામાં આવે છે. સાથે સાથે બાળકો માટે બગીચાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ક.વી.ઓ. સમાજના વડીલો માટે માવતરનો મેળો યોજના શરૂ કરવામાં આવી છે. ઉપરાંત બહારથી કચ્છ ફરવા આવતા લોકાના ઉતારા માટે સ્વચ્છ અને સુુંદર આધુનિક સુવિધાઓથી સુસજજ રાહત ભાવે અતિથીગૃહની પણ સગવડ કરવામાં આવી છે. જખ દાદાના દર્શનાર્થે આવતા યાત્રિકોને સુધ્ધ સાત્વીક વ્યાજબી ભાવે ભોજન મળે તે માટે અમારી સંસ્થા દ્વારા ‘કે.કે.શાહ ભોજનાલય’ લોકોની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે. અવાર નવાર વિના મુલ્યે મેડીકલ કેમ્પો તેમજ અન્ય સામાજીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.વિકલાંગ બાળકો માટે રહેવાની તથા જમવાની સગવડ અત્યંત રાહત દરે કરી આપવામાં આવે છે. રાષ્ટ્રહિતની લાગણીને ધ્યાનમાં લઈને આપણા દેશની રક્ષા કરતા વીર જવાનો પોતાના પરિવારજનો સાથે કચ્છ પધારે ત્યારે તેમના રહેવાની અને જવાની સગવડ વિના મુલ્યે કરી આપવામાં આવે છે આ લગ્નોત્સવ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી નરેશભાઈ શાહ, સંસ્થાના કર્મયોગી પ્રવીણભાઈ સોની, હિતેશભાઈ ગજજર વગેરે ઉપસ્થિત રહી નવદંપતિને ભેટ સોગાદ તથા સુખી લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી. જખ દાદા મંદિરમાં ખુબ જ ટુંકા સમયમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને મંદિરને તિર્થધામની ઉપમા આપીને સુશોભીત કરવામાં સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રવીણભાઈ નંદુ, ચીમનભાઈ ગમારા, નરેશભાઈ શાહ, અંજુબેન શાહ વગેરે જહેમત ઉઠાવીને લોક ઉપયોગી કાર્યો કરવામાં હંમેશા ચિંતીત હોય છે.

Comments