Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉમાં મધરાતે ભાડાની ઓફિસના રેકોર્ડ રૂમમાં ભીષણ આગઃ અનેક દસ્તાવેજો બળીને ખાખ

10 March


ફાયર વિભાગે સાત કલાકની જહેમત બાદ આગ બુજાવી : માર્ચ મહિનાની શરૂઆતે જ સરકારી દસ્તાવેજો બળીને ખાખ થતા તર્ક-વિતર્કઃ અગાઉ ભુજ તાલુકા પંચાયતમાં પણ માર્ચ મહિનામાંં રેકર્ડ રૂમમાં લાગી હતી આગ

ભચાઉ - કચ્છઉદય : વાગડ વિસ્તારના મુખ્ય મથક એવા ભચાઉમાં ગઈકાલે મધરાત્રે ભાડા ઓફિસના તલાટી રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. સાત કલાક બાદ આગ બુજાવાઈ હતી. જેમાં અનેક દસ્તાવેજો બળી ગયા છે. રાત્રિના આશરે ૧ઃ૪૫ વાગ્યે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે રેકોર્ડ રૂમમાં રહેલા મહત્વના સરકારી દસ્તાવેજો પલભરમાં આગની લપેટમાં આવી ગયા હતા. 
આગ જે રૂમમાં લાગી હતી તે અંદરના ભાગમાં હોવાથી અને ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી ફાયર ફાઈટરો માટે અંદર પ્રવેશવું અત્યંત જોખમી બન્યું હતું. નગરપાલિકાના રોડલાઈટ વિભાગના વાહનનો પણ સહારો લેવામાં આવ્યો હતો. આ વાહન દ્વારા ઉપરના પતરા તોડીને અંદર ભરાયેલા ધુમાડાને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો, જેથી ફાયરની ટીમ અંદર સુધી પહોંચી શકે. સતત સાત કલાક સુધી ૧૨,૦૦૦ લિટરથી પણ વધુ પાણીનો મારો ચલાવ્યા બાદ આખરે સવારે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. આ સાહસિક કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ તેમજ રોડલાઈટ વિભાગના હક્કુભાઈ, ગુલામભાઈ અને ભરતભાઈએ ખડેપગે રહીને ભારે જહેમત ઉઠાવી હતી.કચ્છમાં માર્ચ મહિનો બેસતા જ સરકારી કચેરીઓના રેકોર્ડ રૂમમાં આગ લાગવાની આ ઘટનાએ લોકોમાં ભારે ચર્ચા જગાડી છે. અગાઉ ભુજ તાલુકા પંચાયતમાં પણ બરાબર માર્ચ મહિનામાં જ આવી જ રહસ્યમય રીતે આગ લાગી હતી જેમાં અનેક મહત્વના દસ્તાવેજો ખાખ થઈ ગયા હતા. હવે ભચાઉમાં પણ માર્ચ મહિનાની શરૂઆતમાં જ તલાટીના રેકોર્ડ રૂમમાં લાગેલી આ આગ કોઈ અકસ્માત છે કે પછી કોઈ જૂના રેકોર્ડ નાબૂદ કરવાનું ષડયંત્ર, તેવા અનેક પ્રશ્નો કચ્છના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. 

 

Comments

COMMENT / REPLY FROM