લોરિયાના વાડી વિસ્તારમાં જીવતા કારતુસ સાથે બંદુક લઈને ફરતા બે સહોદર પકડાયા
શિકાર કે અન્ય પ્રવૃતિને અંજામ આપે પહેલા એલસીબીનો સપાટો
હથિયારબંધીના જાહેરનામાની અમલવારી માટે ભચાઉ અને નખત્રાણામાં પણ પોલીસે કરી કાર્યવાહી
ભુજ - કચ્છઉદય : એકતરફ કચ્છમાં કલેકટર દ્વારા હથિયારબંધીનું જાહેરનામુ અમલમાં મુકવામાં આવ્યું છે. ત્યારે બીજીતરફ વાડી વિસ્તારોમાં બંદુક લઈને ફરતા શખ્સોને પોલીસે પકડી કાયદાકીય કાર્યવાહી કરી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબીના કર્મચારીઓ ભુજ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે લોરીયા ગામની પશ્ચિમ સીમમાં વાડી વિસ્તાર જતા કાચા રસ્તા પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. લોરિયા - હનુમાનનગરમાં મસ્જિદ પાસે રહેતા રપ વર્ષિય ફરીદ હાજી મેરને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ગેરકાયદે રીતે વગર લાયસન્સ સીંગલ બેરલ દેશી બનાવટની બંદુક, બે ફુટેલા રાઉન્ડ કાર્ટીસ, પાંચ જીવતા રાઉન્ડ કાર્ટીસ કબજે કરવામાં આવ્યા હતા. કલેકટરના જાહેરનામા ભંગ બદલ માધાપર પોલીસમાં તેની સામે ગુનો દાખલ કરાવાયો છે. જયારે બીજી ફરીયાદમાં આરોપી અનવર ઉર્ફે આરીફ હાજી મેર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી પાસેથી ગેરકાયદે વગર લાયસન્સ, સીંગલ બેરલ દેશી બનાવટની બંદુક, બે ફુટેલા રાઉન્ડ કાર્ટીસ અને પાંચ જીવતા રાઉન્ડ કાર્ટીસ કબજે કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. બન્ને ભાઈ હોવાનું સામે આવ્યું છે. માધાપર પોલીસમાં બન્ને સામે ફરિયાદ થઈ છે. બન્ને ફુટેલા કાર્ટીસ મળ્યા છે, તેનો કયાં ઉપયોગ કર્યો તે જાણવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાત્રીના સમયે તેઓને પકડી લેવામાં આવ્યા હતા. કયા ઈરાદે બંદુક લઈને નિકળ્યા તે સહિતની વિગતો જાણવા વી.જી. પરમારે તપાસ હાથ ધરી છે.
બીજીતરફ ભચાઉ તાલુકાના ગણેશટીંબી વિસ્તારમાં કાચા રસ્તા પર દેશી હાથ બનાવટની પાંચ હજારની બંદુક સાથે ખેતશી ઉર્ફે ખેતો જવાહરભાઈ કોલીને ઝડપી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયારે નખત્રાણા પોલીસે ત્રણ છરી લઈને ફરતા બકુલ મનસુખભાઈ દરજીને પકડી કલેકટરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

Comments