Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના હાઈવે-ટુ હેવન માટે રૂ.૬પ૦ કરોડથી વધુની મંજુરી

10 March

કચ્છ માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત



નેશનલ હાઈવે ૭૫૪-કે ના ૧૬૫ કિલોમીટર લાંબા માર્ગને પેવ્ડ શોલ્ડર સાથે ટુ-લેનમાં અપગ્રેડ કરાશે : કનેક્ટિવિટી વધતા આર્થિક વિકાસના નવા દ્વાર ખુલશે :

• નેશનલ હાઈવે ૭૪પકેના વિકાસ માટે કેન્દ્ર સરકારે માતબર રકમ ફાળવી • ઘડુલી સાંતલપુર નેશનલ હાઈવે ટુ-લેન સાથે પેવ્ડ શોલ્ડર બનશે • લખપત, ઘડુલી, ઝારા, હાજીપીર-ખાવડા, કાંઢવાંઢથી ધોળાવીરા સુધી ૧૬પ.પ૮ કીમી માર્ગ અપગ્રેડ થશે • વિશ્વ પ્રસિદ્ધ રોડ ટુ હેવન વધુ પહોળો અને સુરક્ષિત બનશે • રણોત્સવ સહિત પ્રવાસન વધતા ટ્રાફીક અને અકસ્માતના જોખમમાં આવશે ઘટાડો• ખનિજ, મીઠા ઉદ્યોગ માટે પરીવહન વધુ સરળ બનશે • ભારે વાહનોની અવરજવર સરળ થતા વેપાર અને લોજિસ્ટીકસને મળશે ગતિ • લખપતથી ધોળાવીરા સુધીની કનેકટીવીટી વધુ મજબુત બનશે

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયાના મારફતે કરી જાહેરાત 



ભુજ - કચ્છઉદય : ભારત સરકારના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના કચ્છ જિલ્લા માટે એક મહત્વપૂર્ણ માળખાગત સુવિધાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા ૭૫૪-કે અંતર્ગત લખપત, ગડુલી, ઝારા, 
હાજીપીર, ખાવડા, કંદવાન અને ધોળાવીરા ખંડને વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૬૫૦. ૪૨ કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૬૫ કિલોમીટર લંબાઈ ધરાવતા આ માર્ગને પેવ્ડ શોલ્ડર સાથે અત્યાધુનિક ટુ-લેન હાઈવેમાં 
રૂપાંતરિત કરવામાં આવશે. આ માર્ગ તૈયાર થવાથી કચ્છના અંતરિયાળ અને સરહદી વિસ્તારોની કનેક્ટિવિટીમાં મોટો સુધારો થશે અને સ્થાનિક પરિવહન ક્ષમતામાં અનેકગણો વધારો થશે.આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છના વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રને ગુજરાતના અન્ય ભાગો સાથે વધુ મજબૂત રીતે જોડવાનો છે. કચ્છમાં દર વર્ષે અનેક મોટા પ્રવાસન ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં રણોત્સવ અને હાજીપીરના મેળા જેવા પ્રસંગોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. આ તમામ પ્રવાસન સ્થળો સુધી પહોંચવા માટે આ કોરિડોર અત્યંત નિર્ણાયક સાબિત થશે. પ્રવાસન ઉપરાંત આ હાઈવે કચ્છના મુખ્ય ઉદ્યોગો જેવા કે ખનિજ અને મીઠાના પરિવહન માટે પણ આશીર્વાદરૂપ બનશે. માલ-સામાનની હેરફેર સરળ બનતા આ પ્રદેશના આર્થિક વિકાસને નવી ગતિ મળશે અને સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થશે.વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો, આ રૂટ પર હાલની સડક પર ટ્રાફિકનું ભારણ વધારે રહે છે અને સુરક્ષાના અભાવે અકસ્માતોનું પ્રમાણ પણ જોવા મળે છે. નવા હાઈવેના નિર્માણ અને 
પેવ્ડ શોલ્ડર સાથેના અપગ્રેડેશનથી ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે અને માર્ગ સુરક્ષામાં મોટો સુધારો જોવા મળશે. આ આધુનિક રોડ નેટવર્કને કારણે વાહનોના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે અને ઇંધણની બચત સાથે મુસાફરી વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કચ્છના સરહદી ગામડાઓના વિકાસને નવો વેગ મળશે અને પ્રવાસન નકશા પર કચ્છની ઓળખ વધુ મજબૂત થશે.


...............................


લખપતથી ધોળાવીરા કનેકટિવીટ વધુ મજબુત બનશે

કચ્છના સાંસદશ્રી-ધારાસભ્યશ્રીઓની સક્રીય રજુઆતો રંગ લાવી 


ગાંધીધામ : કચ્છના સરહદી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના ‘હાઈવે ટુ હેવન’ તરીકે ઓળખાતા માર્ગ સહિત નેશનલ હાઈવે ૭૫૪દ્ભના વિકાસ માટે ભારત સરકારે ૬૫૦.૪૨ કરોડની માતબર રકમ મંજૂર કરી છે.આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓની દીર્ઘદ્રષ્ટિ અને સતત રજૂઆતો રહેલી છે. સીમાવર્તી વિસ્તારોમાં સંરક્ષણ અને આર્થિક વિકાસ બંને દ્રષ્ટિએ માળખાગત સુવિધાઓ શ્રેષ્ઠ હોવી જોઈએ તેવી તેમની કોઠાસૂઝભરી રજૂઆતને કેન્દ્ર સરકારે ગ્રાહ્ય રાખી છે. લખપતથી ધોળાવીરા સુધીની આ મજબૂત કનેક્ટિવિટી માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ કચ્છના છેવાડાના વિસ્તારોના સામાજિક-આર્થિક ઉત્થાનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Comments

COMMENT / REPLY FROM