Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા પોર્ટ પર નાઈઝ શિફટ કસ્ટમ ક્લિયરન્સ સુવિધા શરૂ

09 March


ગાંધીધામ ચેમ્બરની રજૂઆતને મળ્યો સકારાત્મક પ્રતિસાદ : નિકાસકારોને મોટી રાહતઃ રાત્રે કન્ટેનર ઇન્સ્પેકશનનો નિર્ણય : વેપારજગતમાં ખુશીની લહેર

ગાંધીધામ - કચ્છઉદય : મુન્દ્રા પોર્ટ પર નિકાસકારો અને વેપારજગત માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય રૂપે કસ્ટમ ક્લિયરન્સ પ્રક્રિયામાં રાત્રિ સમય દરમ્યાન નાઈટ શિફ્ટ શરૂ કરવાની સુવિધા અમલમાં લાવવામાં આવતા સમગ્ર એક્સપોર્ટ-ઈમ્પોર્ટ  ટ્રેડ વર્તુળમાં આનંદ અને સંતોષની લાગણી પ્રસરી ગઈ છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્રારા વેપારજગતની લાંબા સમયથી ચાલી આવતી વાસ્તવિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મુન્દ્રા કસ્ટમ વિભાગ સમક્ષ કરવામાં આવેલી સચોટ અને તર્કસંગત રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ આપતાં મુન્દ્રા કસ્ટમ્સ કમિશ્નર નીતિન સૈનીના માર્ગદર્શન હેઠળ કસ્ટમ ક્લિયરન્સ તેમજ એક્સપોર્ટ કન્ટેનરોના ઇન્સ્પેકશન માટે રાત્રિ સમય દરમ્યાન કામગીરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુન્દ્રા પોર્ટથી નિકાસ થતા કન્ટેનરનો ખાસ કરીને ફેક્ટરી સ્ટફિંગ કન્ટેનરોનું કસ્ટમ ઇન્સ્પેકશન રાત્રે ઉપલબ્ધ ન હોવાના કારણે તે કન્ટેનરો મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યા પછી પણ, ૮ થી ૧૦ કલાક સુધી રાહ જોવી પડતી હતી, જેના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં વિલંબ, લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો તથા નિકાસ પ્રક્રિયામાં અનાવશ્યક અવરોધ સર્જાતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ ચેમ્બર દ્વારા સત્તાવાર રીતે રજૂઆત કરવામાં આવી હતી, જેને મોરબી સિરામિક્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તથા કેપેક્સિલના અગ્રણી હોદેદાર નીલેશભાઈ જેતપરીયાનો પણ મહત્વપૂર્ણ સહકાર મળ્યો હતો. તેમની સાથે ઇન્ડિયન રાઈસ એક્સપોર્ટ એસોસિએશન, દિલ્હી તરફથી પણ સમર્થનાત્મક રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ વેપાર સંસ્થાઓની આ સંયુક્ત રજૂઆતને માન્ય રાખી ને મુન્દ્રા કસ્ટમ વિભાગે સ્વીકારી તાત્કાલિક અને વ્યવહારૂ નિર્ણય લઈને નાઈટ શિફ્ટમાં કન્ટેનર ઇન્સ્પેકશન અને ક્લિયરન્સ સુવિધા શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેના પરિણામે હવે નિકાસકારોને કન્ટેનરોની ઝડપી પ્રક્રિયા, ટર્નઅરાઉન્ડ ટાઈમમાં નોંધપાત્ર ઘટાડો અને લોજિસ્ટિક્સ ખર્ચમાં બચત જેવી બહુવિધ સુવિધાઓ પ્રાપ્ત થવાની છે.
આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટ દેશના અગ્રણી અને વ્યસ્ત પોર્ટસમાંનું એક છે અને અહીંથી દેશના વિવિધ ઉદ્યોગોનું નિકાસ કાર્ય મોટા પાયે સંચાલિત થાય છે. આવી પરિસ્થિતિમાં કસ્ટમ ક્લિયરન્સ પ્રકિયામાં કાર્યક્ષમતા અને ગતિ વધારવા માટે રાત્રિ સમય દરમ્યાન ઇન્સ્પેકશન અને ક્લિયરન્સ જેવી સુવિધા શરૂ થવી એ સમગ્ર એક્સપોર્ટ સમુદાય માટે અત્યંત લાભદાયક અને પ્રગતિશીલ પગલું છે. ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, વેપારજગતની વાસ્તવિક સમસ્યાઓને યોગ્ય મંચ સુધી પહોંચાડવી અને તેનો વ્યવહારૂ ઉકેલ લાવવા માટે ગાંધીધામ ચેમ્બર સતત સક્રિય રીતે કાર્યરત રહ્યું છે. મુન્દ્રા કસ્ટમ વિભાગ દ્વારા વેપારજગતની રજૂઆતને ગંભીરતાપૂર્વક  ધ્યાનમાં લઈને અત્યંત ઝડપી અને સકારાત્મક નિર્ણય લેવો એ “ઈઝ ઓફ ડુંઈંગ બીઝનેસ’ ને વધુ મજબૂત બનાવતું ઉદાહરણ છે.
આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુન્દ્રા કસ્ટમ્સ કમિશ્મનર નીતિન સૈની તથા સમગ્ર કસ્ટમ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચેમ્બરના જાગૃત અને સક્રિય કારોબારી તેમજ શિપિંગ કમિટી સભ્ય નરેન્દ્ર રામાણીએ રસ લઈ રજૂઆતો કરાવેલ હતી તેનો ખાસ ઉલ્લેખ કરાયેલ અને આગળના સમયમાં પણ, વેપાર અને ઉદ્યોગ હિત માટે તમામ સંસ્થાઓ સાથે સંકલન કરી રચનાત્મક પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
-----------

Comments

COMMENT / REPLY FROM