ભાજપે બદલાની ભાવનાથી ક્ષત્રિય સમાજનું સૌથી મોટું ગામ ખેડોઈની તાલુકા / જીલ્લા પંચાયતની બેઠકો બક્ષીપંચ અનામત કરી દેવાઈ
ગત લોકસભામાં ક્ષત્રિય સમાજ ભાજપ વિરૂદ્ધ હતા જેના કારણે ક્ષત્રિય ઉમેદવાર લડીજ ન શકે તેવી પરિસ્થિતિ ભાજપે ઉભી કરી : ખેડોઈ બેઠક ગત વખતે પણ સ્ત્રી અનામત હતી અને આ વખતે પણ બક્ષીપંચ અનામત કરાતા ચુંટણી ગાઈડ લાઈન નો ભંગ થયેલ
ભુજ - કચ્છઉદય : તાલુકા / જીલ્લા પંચાયતોની ચુંટણીઓ ટૂંક સમયમાં થવાની છે. ત્યારે તાજેતરમાં જે રોટેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં રાજ્ય ચુંટણીપંચે ભાજપના ઈશારે ભાજપના કહેવા મુજબ રોટેશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં ઘણી જગ્યાઓ અગાઉ અનામત બેઠકો રાખેલ હતી તે જ જગ્યાએ ફરી અનામત બેઠકો રાખવામાં આવેલ છે. નિયમ મુજબ દરેક અનામત બેઠકો વારાફરતી દરેક બેઠકો ઉપર રાખવાની હોય છે, પરંતુ ઘણી જગ્યાએ ભાજપે કિન્નામોરી રાખી અને બદલાની ભાવનાથી અંજાર તાલુકામાં ખેડોઈ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠક બન્નેને બક્ષીપંચ અનામત કરી દેવામાં આવેલ છે.
કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે, કચ્છ જીલ્લામાં સૌથી વધારે ક્ષત્રિય વસ્તી ધરાવતા ખેડોઈ ગામને બક્ષીપંચ અનામત બેઠક જાહેર કરી અને ક્ષત્રિય સમાજમાંથી તાલુકા / જીલ્લા પંચાયત બેઠક લડી જ ન શકે તે માટે ભાજપના ઈશારે બક્ષીપંચ અનામત બેઠકો જાહેર કરાયેલ છે. ખેડોઇ એક જ ગામની તાલુકા પંચાયત બેઠક છે, જેમાં ૯૮ ટકા વસ્તી ક્ષત્રિય, પટેલ તેમજ અન્ય સમાજની વસ્તી છે જયારે બક્ષીપંચ માત્ર ૨થી ૩ ટકાજ વસ્તી આવેલ છે, તેમ છતા બક્ષીપંચ અનામત જાહેર કરેલ છે. જેથી ક્ષત્રિય સમાજ ચુંટણી લડી જ ન શકે નવાઈ બાબત એવી છે કે ગત જીલ્લા પંચાયતમાં પણ સ્ત્રી અનામત બેઠક હતી, ફરીથી અનામત બેઠક જાહેર કરેલ છે.
ક્ષત્રિય સમાજે ગત લોકસભાના ભાજપનો વિરોધ કરેલ હતો અને સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ વિરોધ થયેલ હતો જેથી ભાજપે ઈરાદા પૂર્વક બદલાની ભાવનાથી ખેડોઈ તાલુકા અને જીલ્લા પંચાયત બેઠકો બક્ષીપંચ કરી દેવા માં આવેલ છે જે ક્ષત્રિય સમાજનું સમગ્ર કચ્છના સૌથી મોટા ગામ ખેડોઇને અન્યાય કરવામાં આવેલ છે, જેથી ક્ષત્રિય સમાજ ખુબ જ નારાજ થયેલ છે. આવી જ રીતે કચ્છના ઘણા ગામોમાં અનામત બેઠકોના ફાળવણીના નિયમોનું ઉલંઘન થયેલ છે કારણ કે દરેક જીલ્લા પંચાયતની બેઠકોમાં વસ્તીના ટકાવારીના ધોરણે બેઠકોની ફાળવણી કરવાની હોય છે પરંતુ ચુંટણી ગાઇડ લાઈન મુજબ માપ દંડ જળવાયેલ નથી.
કચ્છના અનેક ગામો જેવા કે ગુનેરી, છેરમોટી, કપુરાસી જેવા ગામોમાં અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજને અન્યાય કરેલ છે. તેમજ પાન્ધ્રો જીલ્લા પંચાયત ગત વખતે પણ સ્ત્રી અનામત રાખવામાં આવેલ હતી આ વખતે પણ સ્ત્રી અનામત રાખવામાં આવેલ છે. આ સીટ પણ ક્ષત્રિય પ્રભૂત્વ વાળી છે અને મુખ્ય આગેવાનો લડોના શકે તે માટે ભાજપે ઈરાદા પૂર્વક ધારાસભ્યના ઇશારે કરવામાં આવેલ છે તેમ વી.કે. હુંબલે જણાવ્યું હતું.
-----

Comments