Trending News
સ્થાનિક સમાચાર

ગોંડલમાં નકલી તમાકુ ના જથ્થાનો પર્દાફાશ, શું હવે  કચ્છના‘નકલી’ વેપલાઓ પર તંત્ર તવાઈ બોલાવશે?

09 March



નકલી માલ સસ્તા ભાવે ખરીદીને ગ્રાહકોને પધરાવી દેવાનું મોટું નેટવર્ક વાગડથી માંડી અને અબડાસા-લખપત જેવા છેવાડાના વિશાળ વિસ્તારો સુધી તો કાર્યરત નથીને? : પોલીસતંત્ર કેમ ન આદરે સરપ્રાઈઝ તવાઈ?

ગાંધીધામ : ગુજરાતમાં વર્તમાન સમયે ઠેર-ઠેર નકલીનો દબદબો હોય તે રીતે વસ્તુઓ પકડાવવા પામી રહી છે. દરમ્યાન જ ગોંડલ વિસ્તારમાં નકલી ગુટખા-તમ્બાકુનો પણ જથ્થો પોલીસે પકડી પાડયો છે ત્યારે સવાલ થવા પામી રહ્યો છે કે, કચ્છમાં પણ કયાંક કોઈ નકલી તમ્બાકુ, ગુટખાના મોટાપાયે વેપલા કરવાનુ આવુ જ કોઈ સામ્રાજય વિકસાવીને નથી બેઠા ને?
આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો તાજેતરમાં ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા ‘વિશ્વાસ’ નામના ગોડાઉનમાં એસઓજીની ટીમે પાડેલા દરોડાએ નકલી ખાદ્ય પદાર્થો અને તમાકુના કાળા કારોબારનો ભાંડો ફોડ્યો છે. આ દરોડા દરમિયાન રૂા. ૧.૮૭ લાખની કિંમતની નકલી તમાકુ, બીડી અને ગુટખાના સેંકડો બોક્સ કબજે કરવામાં આવ્યા છે. ગોડાઉન માલિક અશરફ મહમદ સંજાતની ધરપકડ બાદ બહાર આવેલી વિગતો મુજબ, આ નકલી માલ સસ્તા ભાવે ખરીદીને ગ્રાહકોને 
પધરાવી દેવાનું મોટું નેટવર્ક કાર્યરત હતું. કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આ ઘટનાએ કચ્છ જિલ્લામાં ચાલતા આવા જ બેનામી ધંધાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
પ્રબુદ્વવર્ગ કહી રહ્યો છે કે, ગોંડલની આ ઘટના તો માત્ર હિમશિલાની ટોચ સમાન છે, ખરો પ્રશ્ન એ છે કે શું કચ્છના સરહદી વિસ્તારો અને ખાસ કરીને વાગડ પંથકમાં પણ આવા જ નકલી તમાકુ અને ગુટખાના વેપલાઓ ફાટીને ચીતરે નથી ચડ્યા? ચર્ચા મુજબ, વાગડ વિસ્તારમાં નકલી તમાકુ બનાવનારા અમુક તત્વો અત્યારે બેફામ બન્યા હોવાનુ મનાય છે. આ તત્વો સરકારની તિજોરીને કરોડો રૂપિયાના જીએસટી અને ટેક્સનો ધુમ્બો મારીને, સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. લોકોના ગળે નકલી ખેની, તમાકુ અને ગુટખા પધરાવીને રાતોરાત ‘આસામી’ બની બેઠેલા આ તત્વો સામે જીએસટી વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર કેમ નિંદ્રાધીન છે તે એક મોટો સવાલ છે. જ્યારે ગોંડલ જેવા વિસ્તારોમાં પોલીસ સતર્કતા બતાવીને નકલી માલ પકડી શકતી હોય, ત્યારે કચ્છમાં પણ આવી જ જિલ્લા વ્યાપી તપાસ ઝુંબેશ અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવું અત્યંત જરૂરી બન્યું છે. નકલી કેમિકલયુક્ત તમાકુ માત્ર આર્થિક ગુનો નથી, 
પરંતુ તે કેન્સર જેવા જીવલેણ રોગોને નોતરીને લોકોના જીવન સાથેની રમત છે. વહીવટી તંત્ર અને તપાસનીશ એજન્સીઓએ હવે જાગવાની જરૂર છે, નહિતર ટેક્સની ચોરી અને નકલી માલનો આ કાળો કારોબાર કચ્છની આર્થિક અને સામાજિક વ્યવસ્થાને ઉધઈની જેમ કોતરી ખાશે. સમય આવી ગયો છે કે ગોંડલના કિસ્સામાંથી 
બોધપાઠ લઈ કચ્છમાં પણ આવા ગોડાઉનો અને ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવવામાં આવે.

Comments

COMMENT / REPLY FROM