ગાંધીધામ શહેર ભાજપના મંત્રીના આપઘાત કેસમાં સ્ફોટક ખુલાસા
ધંધામાં બાલાજી વેફર્સની એજન્સી બંધ થઈ, આર્થિક સંકડામણ, દાગીના ગીરવે મુકી લીધેલા નાણા ચુકવવાનું ટેન્શન અને એક - બે નહીં પણ અલગ અલગ ૧૮ લોકો દ્વારા પૈસા બાબતે અપાયેલા ત્રાસથી અંતે ફાંસો ખાઈને મોતનો માર્ગ અપનાવ્યો : મરવા માટે મજબુર કરનારા સામે ફોજદારીનું શસ્ત્ર ઉગામાયું : હવે ન્યાયની આશા
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ શહેર ભાજપના મંત્રી એવા આદીપુરમાં રહેતા ૩૯ વર્ષિય દિપેશ મીનાક્ષીબેન ભટ્ટે પોતાના ઘરે પંખામાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ હતી. આ બનાવમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં ધંધાકીય તેમજ આર્થિક રીતે ત્રાસ આપનારા ૧૮ લોકોના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ પૂર્વે તેમણે લખેલી ચીઠ્ઠી, વીડિયો અને પત્નીએ અનુભવેલા ત્રાસના આધારે પોલીસે આ ફરીયાદ દાખલ કરી છે.
આ બાબતે હતભાગીના પત્નિ દીપાબેન દિપેશભાઈ અશ્વિનભાઈ ત્રિપાઠીએ નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમના પતિ ગાંધીધામ ખાતે બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા હતા. એજન્સી લેવા માટે એડવાન્સમાં ડીપોઝીટ ભરી હતી. જે માલ જોઈએ તે માટે પહેલા આરટીજીએસ કરતા અને પછી માલ પહોંચાડવા માટે કટારીયા એન્ટપ્રાઈઝને કામ સોંપાયું હતું. માલ વેચવા માટે ગાંધીધામમાં રૂટ પણ નક્કી કરાયો હતો. દર વખતે આરટીજીએસથી એડવાન્સ રકમ મોકલતા, બાદમાં માલ આવતો અને સપ્લાય થતો પરંતુ થોડા સમયથી કટારીયા એન્ટરપ્રાઈઝના માલીક અને રૂપેશભાઈએ ભેગા મળી કટારીયા એન્ટરપ્રાઈઝના કલ્પેશભાઈ અને અંંકીતા મેડમ દ્વારા એડવાન્સ રૂપિયા આપવા છતાં માલ સમયસર અપાતો નહીં. ગાંધીધામમાંં માલ પહોંચાડવાનું કામ મુંદરાવાળા વિપુલભાઈ સંભાળતા હતા. તેઓને અમારાથી કોઈ વાંધો હોઈ બધા ભેગા મળી ચડાવતા અને ખોટી રીતે હેરાન કરી માલ પહોંચાડતા નહીં. સમયસર માલ ન મળવો અને રૂટ કપાઈ જવાના કારણે વ્યવસાય ઠપ્પ થતા આર્થિક નુકશાન થયું હતું. માલ મંગાવતા ત્યારે અઠવાડીયામાં એક જ વખત માલ મળતો, છેલ્લે એડવાન્સ રૂપિયા આપ્યા, ર માર્ચના માલ આવવાનો હતો, પરંતુ હોળીના કારણે ના કહી બાદમાં પાંચ તારીખે ફોન કર્યો હતો. માલ આપવાની જ ના કહી દીધી, જેથી પતિને ખુબ જ આઘાત લાગ્યો હતો. કારણ કે આવક બંધ થઈ અને ચુકવણા કરવાના હતા. ચુકવણા કરવાની સ્થિતિ ન હોઈ આર્થિક સંકડામણનો અહેસાસ થયો હતો. આ વિપુલભાઈએ અગાઉ ધંધાના રૂટ બંધ કરાવી એજન્સી બંધ કરાવી નાખવાની પણ ધમકી આપી હતી.
તેમજ ધંધા માટે અલગ અલગ લોકો પાસેથી હાથ ઉછીના રૂપિયા પણ લીધા હતા. જેમાં કરણ ડાયાલાલ આહીરને સોનાના બે મંગળસુત્ર, ચેઈન, ત્રણ સેટ, માળા, ચાર જોડી બુટીયા ગીરવે રાખી વ્યાજ ચુકવતા. જેટલા રૂપિયા લીધા તેના કરતા વધારે વ્યાજ ચુકવ્યું છે. આ કરણ તેના પિતા અને આનંદ કરીને એક વ્યક્તિ ત્રણેય જણા પતિને દબાવતા, ગાળો આપી તમામ દાગીના રાખી લેવાની ધમકી આપતા હતા. મુડી કરતા વધુ વ્યાજ આપ્યું હોવા છતાં સોનુ પરત આપતા ન હતા. જેના કારણે પણ પતિ માનસિક રીતે પરેશાન હતા.
ભચાઉમાં રહેતા નટુભા સોઢા પાસેથી ધંધાર્થે હાથ ઉછીના રૂપિયા લીધા હતા. મુડી કરતા વધુ વ્યાજ ચુકવ્યું હોવા છતાં ઘરે આવીને વ્યાજની ઉઘરાણી કરાતી તેમજ નટુભાએ આદીપુરના મકાનની ઓરીજનલ ફાઈલ પોતાની રાખી છે. નાણા વ્યાજ સહિત ચુકતે થયા છતા મકાનની ફાઈલ પાછી અપાતી ન હતી.
આદીપુર ડીસી- પ માં રહેતા કલ્પેશ ઠક્કર પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. તેને પણ મુડી કરતા ઘણુંં વ્યાજ ચુકવ્યું છે. છતાં વ્યાજની માંગણી કરી ત્રાસ અપાતો હતો. પતિએ કલ્પેશને અન્ય એક એજન્સી અપાવી હતી. તેમ છતાં કંઈ આપ્યું નહીં અને અતિશય વ્યાજ લીધું હતું. દર્શન ઠક્કર પાસેથી પણ રૂપિયા લીધા તેમાં પણ મુડી કરતા વધારે વ્યાજ ચુકવ્યું છતાં ત્રાસ આપવામાં આવતો હતો. ધર્મેન્દ્રસિંહ ભાટી ઉર્ફે ધમ્મો પાસેથી જે રૂપિયા લીધા હતા, તે ચુકવ્યા છતાં ઘણીવખત ગોડાઉને માણસો મોકલીને બળજબરી પૂર્વક વસુલાતની ધમકીઓ આપવામાં આવતી હતી. આ રીતે વ્યાજની ઉઘરાણી માટે ક્રિપાલસિંહ દ્વારા પણ ત્રાસ અપાતો હતો. ભુજમાં ૮ વર્ષથી રહેતા રોશની આનંદ ભટ્ટ છેલ્લા આઠ વર્ષથી પતિને હેરાન કરતા અને ઉછીના લીધેલા રૂપિયા ઉંચા વ્યાજે વસુલ્યા હતા. ભીખુભાઈએ પણ મુડી મેળવી લીધી હોવા છતાં વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી હતી. ઝોન વાળા ચંદ્રસિંહ બાપુ, ગણેશ એજન્સીવાળા હરેશ મીરાણી તેનો ભાઈ મુકેશ મીરાણી દ્વારા પણ ત્રાસ અપાતો હતો. પતિ આરટીજીએસ કરીને માલ મંગાવતા હોઈ મુકેશ મીરાણી અને હરેશ મીરાણીને ખબર પડી જતી અને કેટલી રકમનું આરટીજીએસ કર્યું છે, શું માલ મંગાવ્યો છે તે જાણી ઉંચા વ્યાજની વસુલી કરવામાં આવતી હતી. હિતેશ રાજકોટીયાએ પતિ પાસેથી ચેક મેળવી લીધા હોઈ ચેક બાઉન્સ કરાવી જેલમાં નાખી દેવાની ધમકી આપતો હતો. પતિએ જે દિવસે આત્મહત્યા કરી તે દિવસે પણ આ હિતેશ રાજકોટીયા વ્યાજની ઉઘરાણી કરવા ઘરે આવ્યો હતો.
આદીપુરના પ્રકાશભાઈ મોદી કે જે લોન અપાવવાનું કામ કરે છે, તે પતિને લોન કરાવી આપતા પણ તેમાંથી કમીશન નહીં લોન પેટેની અડધી રકમ મેળવી લેતા અને પુરી રકમ ન મળવા છતાં પુરે પુરી લોનના હપતા પતિને ભરવા પડતા હતા. આ રીતે આર્થિક સંકડામણ ઉભી કરીને સૌએ ત્રાસ આપ્યો હતો. આ તમામ વ્યક્તિઓ દ્વારા ત્રાસ બાબતે પતિએ અવારનવાર વાત કરવી છે, હાજરીમાં વાત થઈ છે તેમજ ઘરે આવતા હોવાથી તમામ બાબતોની જાણ હતી. પતિએ સ્યુસાઈડ નોટમાં તથા ફોનમાં વીડીયો બનાવીને આ લોકોના ત્રાસ અંગે તમામ હકીકત જણાવી આપઘાત કર્યો છે તેમજ ધંધો ચાલુ રાખવા પાંભર સાહેબ અને એ.એસ.આર.ની જવાબદારી રહેશે તેવું પણ સ્યુસાઈડ નોટમાં લખેલું છે. આ બનાવથી એક દિકરો અને એક દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તમામ લોકો દ્વારા અપાયેલા ત્રાસના કારણે પતિએ આપઘાત કર્યો હોવાનું જણાવી ૧૮ લોકો સામે મરવા માટે મજબુર કરવાની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ આરોપીઓ દ્વારા પરિવારને નુકશાન પહોંચે તેવી સંભાવના હોઈ ફરીયાદી કે પરિવારને કંઈ પણ નુકશાન થાય તો તમામ જવાબદારી આરોપીઓની રહેશે તેમ પણ જણાવાયું છે.
...................
આ લોકો સામે નોંધાઈ ફોજદારી
• વિપુલભાઈ (એસઆર) મુંદરા વાળા • કટારીયા એન્ટરપ્રાઈઝના માલિક • કટારીયા એન્ટરપ્રાઈઝવાળા રૂપેશભાઈ • કટારીયા એન્ટરપ્રાઈઝ વાળા કલ્પેશભાઈ • કટારીયા એન્ટરપ્રાઈઝ વાળા અંકીતા મેડમ • કરણ ડાયાલાલ આહિર • કરણ આહિરના પિતા • આનંદ • નટુભા સોઢા - ભચાઉ • કલ્પેશ ઠક્કર • દર્શન ઠક્કર • ધર્મેન્દ્રસિંહ ભાટી (ધમ્મો) • ક્રિપાલસિંહ • ચંદ્રસિંહ બાપુ ઝોનવાળા • મુકેશ મીરાણી • હરેશ મીરાણી - ગણેશ એજન્સીવાળા • હિતેશ રાજકોટીયા • ભીખુભાઈ • રોશની આનંદ ભટ્ટ - ભુજ • પ્રકાશભાઈ મોદી - આદીપુર

Comments