અમદાવાદના પનોતા પુત્રની વૈશ્વિક ઉડાન : સાબરમતીથી અમેરિકાના સોલ્ટ લેક સિટી સુધીની અવિસ્મરણીય સફર
સાબરમતીના રહેવાસી મઝહર અસલમ કાઠીની અમેરિકામાં મેયર ઓફિસની બિઝનેસ એડ્વાઇઝરી કમિટીમાં સભ્ય તરીકે નિમણૂક : ગુજરાત અને ભારતનું ગૌરવ વધારતી સિદ્ધિ
ભુજ - કચ્છઉદય : અમદાવાદની સાબરમતીના સાનિધ્યમાં ઉછરેલા અને સંસ્કાર પામેલા મઝહર અસલમ કાઠીએ સાત સમંદર પાર અમેરિકામાં ડંકો વગાડી ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. મઝહર કાઠીની અમેરિકાના સોલ્ટ લેક સિટી મેયર ઓફિસના બિઝનેસ એડ્વાઇઝરી કમિટીના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂક માત્ર એક વ્યક્તિગત સફળતા નથી, પરંતુ અમદાવાદના શિક્ષણ, સંસ્કાર અને નૈતિક મૂલ્યોના વૈશ્વિક સ્વીકારનું જીવંત પ્રતિક છે. મઝહર હવે વૈશ્વિક સ્તરે આર્થિક અને વ્યાપારિક નીતિઓના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવશે, જે સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ છે.
મઝહર કાઠીની આ સફળતા પાછળ તેમનો મજબૂત શૈક્ષણિક પાયો રહેલો છે. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રતિષ્ઠિત સી. યુ. શાહ પ્રાયમરી સ્કૂલ (જીએલએસ) માંથી મેળવ્યું હતું, જ્યાં તેમનામાં શિસ્ત અને સમયપાલનના પાઠ આત્મસાત થયા હતા. ત્યારબાદ એમ. કે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં માધ્યમિક અભ્યાસ દરમિયાન તેમનામાં નેતૃત્વ અને આત્મવિશ્વાસના ગુણો વિકસ્યા હતા. ઉચ્ચ શિક્ષણ માટે તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એચ. એ. કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમ.ની પદવી મેળવી અને ત્યારબાદ એમબીએ પૂર્ણ કરી પોતાના જ્ઞાનને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરવા સજ્જ થયા હતા.
અમેરિકા સ્થાયી થયા બાદ મઝહરે ’ધ કેટાલિસ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ કન્સલ્ટિંગ એલએલસી’ ની સ્થાપના કરી હતી. બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર તરીકે તેમણે અનેક સ્ટાર્ટઅપ્સ અને નાના ઉદ્યોગોને સફળતાના શિખરે પહોંચાડવા માટે વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. યુટાહના બિઝનેસ ઇકોસિસ્ટમમાં તેમના નોંધપાત્ર પ્રદાનને કારણે જ તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આ સફર આજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે કે દૃઢ નિશ્ચય અને મહેનત હોય તો સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિ પણ અનંત ઉડાન ભરી શકે છે. હોળીના પાવન પર્વે મળેલી આ સફળતાના સમાચાર ગુજરાતીઓમાં આનંદ અને ગૌરવની લહેર પ્રસરાવી રહ્યા છે. તેવું કચ્છના મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘના ચેરમેન અમીર ફૈઝલ મુતવાની યાદીમાં જણાવાયું છે.
---------

Comments