કચ્છના વધુ ૧૧ શિક્ષણ સહાયકોને નિમણૂક તારીખે જ પૂરા પગારના આદેશ અપાયા
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પારદર્શક વહીવટનો ઉત્તમ નમૂનો : અગાઉ ૧૩૨ શિક્ષકો બાદ હવે વધુ ૧૧ કર્મચારીઓ મદદનીશ શિક્ષક તરીકે નિમાયા
ભુજ - કચ્છઉદય : ભુજ સ્થિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વહીવટી કાર્યદક્ષતા અને પારદર્શિતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા વધુ ૧૧ શિક્ષણ સહાયકોને તેમની સેવામાં પાંચ વર્ષ પૂર્ણ થતાંની સાથે જ નિમણૂક તારીખથી પૂરા પગારમાં સમાવવાના સત્તાવાર આદેશો જારી કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ હેડ ક્લાર્ક કૃણાલભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત કામગીરીને પગલે શિક્ષણ જગતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આજના આદેશમાં માધ્યમિક વિભાગના ૧૦ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૦૧ શિક્ષણ સહાયકનો સમાવેશ થાય છે, જેઓ હવેથી મદદનીશ શિક્ષક તરીકે સેવાઓ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ કચેરી દ્વારા માધ્યમિક વિભાગના ૮૪ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૪૮ એમ કુલ ૧૩૨ શિક્ષકોને પૂરા પગારમાં સમાવવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સેવાના પાંચ વર્ષ પૂર્ણ થતાની સાથે જ કોઈપણ વિલંબ વગર હક મળતા શિક્ષકોએ તંત્રનો આભાર માન્યો હતો. ખાસ કરીને આ આદેશ મેળવનારી મહિલા શિક્ષિકાઓએ આ પ્રસંગને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વસંધ્યાએ મળેલી અમૂલ્ય ભેટ ગણાવી હતી અને કચેરીના પારદર્શક વહીવટની સરાહના કરી હતી.
-----

Comments