કાયદેસરની લીઝની બાજુમાં ગેરકાયદે ખનિજ ઉત્ખન્નનની પ્રવૃતિએ ફરી વેગ પકડયો
માર્ચ મહિનો આવતા ખનીજ વિભાગ ‘ટાર્ગેટ’ પૂરા કરવા મેદાને : અબડાસા, માંડવી, ખાવડા, મુંદરા, વાગડ સહિતના વિસ્તારમાં રોયલ્ટી વગરના વાહનો પકડાય છે પણ મુળ સુધી તપાસ પહોંચતી નથી : દંડ વસુલાય પરંતુ ગેરકાયદે ખોદકામ સંપૂર્ણ બંધ કરાવવા સુરેન્દ્રનગરના સિંઘમ પ્રાંત એચ.ટી. મકવાણા જેવી કાર્યવાહી કરશે કોણ ?
ભુજ - કચ્છઉદય : સરહદી કચ્છ જિલ્લાની કિંમતી ખનીજ સંપત્તિ પર ખનીજ માફિયાઓની નજર લાંબા સમયથી મંડાયેલી છે. સમગ્ર જિલ્લામાં અત્યારે ખનીજ ચોરીની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેમ એકપછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ખાસ કરીને અબડાસા તાલુકામાં બેન્ટોનાઈટ, માંડવી પટ્ટામાં બોક્સાઈટ, ભુજ અને વાગડ વિસ્તારમાં ચાઈના ક્લે તેમજ મુન્દ્રા વિસ્તારમાં રેતી અને માટીની મોટાપાયે ચોરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે. લખપત તાલુકામાંથી પણ અવારનવાર બેન્ટોનાઈટ અને પથ્થરોનું ગેરકાયદે વહન થતું હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે, અત્યાર સુધી નિષ્ક્રિય રહેલું ખાણ ખનીજ વિભાગ હવે માર્ચ મહિનો નજીક આવતા પોતાના લક્ષ્યાંકો પૂરા કરવા માટે સક્રિય થયું હોય તેમ જણાય છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ સહિત ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ઠેર-ઠેર ચેકિંગ હાથ ધરીને રોયલ્ટી વગરના વાહનો ઝડપવામાં આવી રહ્યા છે, પરંતુ સ્થાનિકોમાં ચર્ચા છે કે આ કાર્યવાહી માત્ર વાર્ષિક ટાર્ગેટ પૂરા કરવા પૂરતી જ મર્યાદિત છે.
તાજેતરમાં પકડાયેલી ખનીજ ચોરીની ઘટનાઓમાં એક ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે. ખનીજ માફિયાઓ જે તે વિસ્તારમાં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી કાયદેસરની લીઝની બિલકુલ બાજુમાં જ ગેરકાયદે ખોદકામ શરૂ કરી દે છે. અબડાસા તાલુકાના રાયધણજરમાં તાજેતરમાં પકડાયેલી ચોરીમાં પણ આવું જ જોવા મળ્યું હતું, જ્યાં મંજૂર લીઝની આડમાં બેન્ટોનાઈટનો જથ્થો ઉલેચવામાં આવતો હતો. આ માફિયાઓ ગેરકાયદે રીતે કાઢેલા ખનીજને કાયદેસરની લીઝની રોયલ્ટી બતાવીને બજારમાં ખપાવી દેતા હોય છે. આ રીતે ગેરકાયદે માલને કાયદેસરના ઓઠા હેઠળ વેચવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલી રહી હોવા છતાં ખનીજ વિભાગ તેને ડામવામાં નિષ્ક્રિય છે. જો વિભાગ દ્વારા લીઝના માલની એફ.એસ.એલ. તપાસ કરવામાં આવે અને સ્ટોકનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે, પરંતુ તંત્ર માત્ર લીઝ પુરી થાય પછી માપણી કરીને તફાવતના આધારે દંડ ફટકારવાની જૂની પદ્ધતિને જ વળગી રહ્યું છે.
કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી રોકવા કલેક્ટર દ્વારા મોટા ઉપાડે તમામ વિભાગોને સાંકળીને ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે આ ફોર્સ લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં છે. હાલમાં અબડાસા, અંજાર, મુન્દ્રા, ગજોડ, આસંબિયા, નાગોર અને ખાવડા જેવા વિસ્તારોમાં કાર્યવાહી તો થઈ છે, પરંતુ તે પૂરતી નથી. ખાસ કરીને જે લીઝો બંધ પડી હતી ત્યાં પણ ફરીથી ખોદકામ શરૂ થઈ ગયું હોવાની બૂમો સંભળાઈ રહી છે. ખનીજ વિભાગ ખરેખર ગંભીર હોય તો માત્ર રસ્તા પર વાહનો પકડવાને બદલે ઊંડાણપૂર્વક તપાસ કરી કાયમી ધોરણે ખનીજ ચોરી પર રોક લગાવે તે જરૂરી છે. સુરેન્દ્રનગરમાં કોલસા અને ખનિજની ચોરી બેફામ બની હતી. અહીં પ્રાંત તરીકે એચ.ટી. મકવાણા મુકાયા બાદ ખનિજ માફિયાઓ રીતસર રોડ પર આવી ગયા છે. કારણ કે એક પણ જગ્યાએ ગેરકાયદે ખોદકામ થવા દીધું નથી. પ્રાંત અધિકારી ખુદ લીઝમાં ઉતરે, ખાણમાં ઉતરે અને કોઈ પણ જાતની ભલામણ વગર ખનિજ ચોરી રોકતા હોવાથી આ વિસ્તારમાં રીતસર સપાટો બોલી ગયો છે. કચ્છમાં આવા સિંઘમ અધિકારી મુકાશે પછી ખનીજ ચોરી અટકશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
.................
તપાસની નવી પદ્ધતિ અનિવાર્ય
જો ખનીજ વિભાગ દ્વારા જે તે લીઝની ક્ષમતા, અત્યાર સુધી કપાયેલી રોયલ્ટી અને હાલના બાકી સ્ટોકની તાત્કાલિક માપણી કરવામાં આવે, તો મોટા કૌભાંડો બહાર આવી શકે છે. જે કિસ્સાઓમાં શંકા જણાય ત્યાં તુરંત જ દંડની કાર્યવાહી કરીને કડક દાખલો બેસાડવો જોઈએ.

Comments