Trending News
સ્થાનિક સમાચાર

વિશ્વકપ ફાઈનલ : ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે  ખિતાબી મહાજંગ પહેલા કચ્છનું સટ્ટા બજાર ગરમાયું

07 March



આંતરરાષ્ટ્રીય સટ્ટા બજારમાં પણ ભારત ફેવરિટ : સૂર્યકુમાર યાદવની સેના ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં રમાશે ઐતિહાસિક મેચ

ભુજ - કચ્છઉદય : અમદાવાદના મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે આઈસીસી ટી૨૦ મેન્સ વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આ ખિતાબી જંગને લઈને સમગ્ર દેશમાં ક્રિકેટ ફીવર ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં પણ આ મેચને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છનું સટ્ટા બજાર અત્યારથી જ ગરમ થઈ ગયું છે અને બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફાઈનલ મેચ પર જિલ્લામાં હાર-જીતનો કરોડો રૂપિયાનો સટ્ટો રમાય તેવી પૂરી શક્યતા છે. ક્રિકેટ પ્રેમીઓ એક તરફ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ સટ્ટાબજારમાં પણ પળેપળની હલચલ તેજ બની છે.
આવતીકાલે ૮ માર્ચના રોજ રમાનારી આ ઐતિહાસિક મેચમાં ભારતીય ટીમની કમાન વિસ્ફોટક બેટ્‌સમેન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. ટીમ ઇન્ડિયાના વર્તમાન ફોર્મને જોતા ભારત જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. જોકે, ન્યૂઝીલેન્ડની ટીમ પણ અત્યારે શાનદાર લયમાં છે અને અમદાવાદના મેદાનનો ઇતિહાસ જોતા આ મુકાબલો કાંટાની ટક્કર સમાન બની રહેશે તેવી આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સટ્ટા બજારમાં પણ ભારત ફેવરિટ તરીકે ઉભરી આવ્યું છે. વિવિધ ઓનલાઇન સ્પોર્ટ્‌સ ડેટા અને આંતરરાષ્ટ્રીય માર્કેટના લેટેસ્ટ રેટ્‌સ મુજબ ભારતની જીતવાની સંભાવના ૬૦ થી ૭૦ ટકા જેટલી દર્શાવવામાં આવી રહી છે. ઓડ્‌સચેકર અને બેટ૩૬૫ જેવા પ્લેટફોર્મપર ભારતનો પક્ષ મજબૂત છે, જ્યારે ન્યૂઝીલેન્ડને અંડરડોગ માનવામાં આવી રહ્યું છે, જેના કારણે કિવિઝ ટીમ પર દાવ લગાવનારને ઊંચા વળતરની લાલચ આપવામાં આવી રહી છે. મેચના વિશ્લેષણ પર નજર કરીએ તો ભારતીય ટીમ તરફથી ઇશાન કિશન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સૌથી વધુ રન બનાવશે તેવી ધારણા સાથે તેમના પર મોટો દાવ લાગી રહ્યો છે.  બોલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહની ઘાતક યોર્કર અને વરુણ ચક્રવર્તીની સ્પિન જાળ આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી વધુ ડિમાન્ડમાં છે. 
સામી પક્ષે ન્યૂઝીલેન્ડની ટીમમાં ફિન એલન જેવા આક્રમક બેટ્‌સમેન ભારત માટે પડકાર ઊભો કરી શકે છે. પિચ રિપોર્ટ મુજબ અમદાવાદની વિકેટ બેટિંગ માટે સાનુકૂળ જણાય છે, જેને જોતા પ્રથમ ઇનિંગ્સમાં ૧૮૦થી વધુનો સ્કોર થવાની પૂરી શક્યતા છે.  ઘરઆંગણે રમી રહેલી ભારતીય ટીમને સ્ટેડિયમમાં હાજર રહેનારા એક લાખથી વધુ પ્રેક્ષકોનો જોરદાર સપોર્ટ મળશે, જે મેચના પરિણામમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
આ મહાકુંભની વિગતો મુજબ, સાંજે ૬ઃ૩૦ કલાકે ટોસ ઉછાળવામાં આવશે અને રાત્રે ૭ વાગ્યે મેચનો પ્રારંભ થશે. એક તરફ સુરક્ષા એજન્સીઓ સટ્ટાખોરો પર નજર રાખી રહી છે, તો બીજી તરફ ક્રિકેટના ચાહકો ભારત ફરી એકવાર વિશ્વ વિજેતા બને તેવી પ્રાર્થના કરી રહ્યા છે. કચ્છના અંજાર, ગાંધીધામ અને ભુજ જેવા શહેરોમાં સટ્ટાબજારની ગતિવિધિઓ તેજ થતા પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

......................

આંતરરાષ્ટ્રીય માર્કેટના લેટેસ્ટ ભાવ 

ભુજ - કચ્છઉદય : આવતીકાલના મહાજંગ માટે આંતરરાષ્ટ્રીય સટ્ટા બજારમાં ભારતનો પક્ષ ભારે મજબૂત જણાઈ રહ્યો છે. વિશ્વવિખ્યાત પ્લેટફોર્મ્સના આંકડા મુજબ ભારતની જીત પર દાવ લગાવનારાઓની સંખ્યા સૌથી વધુ છે. ઓડ્‌સચેકર પર ભારત માટે ૨/૫ અને ન્યૂઝીલેન્ડ માટે ૨૧/૧૦ ના ભાવ ચાલી રહ્યા છે. તેવી જ રીતે બેટ૩૬૫ પ્લેટફોર્મ પર ભારત માટે ૩૭/૧૦૦ અને ન્યૂઝીલેન્ડ માટે ૨/૧ ના રેટ નક્કી કરવામાં આવ્યા છે. કાલશીના વિશ્લેષણ મુજબ ભારતની જીતવાની શક્યતા ૭૦ ટકા અને ન્યૂઝીલેન્ડની શક્યતા માત્ર ૩૦ ટકા દર્શાવવામાં આવી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક બજારમાં સૂર્યકુમારની સેના જ ફેવરિટ છે.


 

Comments

COMMENT / REPLY FROM