પધ્ધર પોલીસે માનવતા મહેકાવી : અસ્થિર મગજના નિરાધાર વૃદ્ધને સુરક્ષિત આશ્રય અપાવ્યો
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના પધ્ધર પોલીસ સ્ટેશન દ્વારા ખાખી વર્દી પાછળ છુપાયેલી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિ અસ્થિર માનસિક સ્થિતિમાં રઝળતી હાલતમાં મળી આવ્યા હતા.વૃદ્ધની દયનીય હાલતને ધ્યાને લઈ પધ્ધર પોલીસ દ્વારા ત્વરિત માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પોલીસે સેવાકીય કાર્યો કરતી સંસ્થા ’માનવ જ્યોત’નો સંપર્ક સાધી આ વૃદ્ધને ત્યાં આશ્રય અપાવવાની વ્યવસ્થા કરી હતી. હવે આ વૃદ્ધને સંસ્થામાં યોગ્ય ભોજન, રહેઠાણ અને જરૂરી સારવાર મળી રહેશે. પધ્ધર પોલીસના આ સેવાકાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

Comments