Trending News
સ્થાનિક સમાચાર

ચુનડી ગામે પત્નીની હત્યા કરનાર પતિને ભુજની સદાલતે ફટકારી આજીવન કેદની સજા

06 March


દંડ પેટે ૧,૦૦,૦૦૦ રૂપિયા ભરવાનો પણ હુકમ કરવામાં આવ્યો

ભુજ - કચ્છઉદય : જિલ્લા અને સેશન્સ કોર્ટ દ્વારા પત્નીની ઘાતકી હત્યા કરનાર આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસની વિગત મુજબ, ભુજ તાલુકાના ચુનડી ગામે રહેતા આરોપી મહિપતસિંહ ભીમજી સોઢા કોઈ કામ-ધંધો કરતા ન હોવાથી તેમના પત્ની ચેતનાબા અવારનવાર તેમને કામ કરવાનું કહેતા હતા. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ પત્નીને પાણી ગરમ કરવાના હીટરથી ડામ આપી અને ત્યારબાદ માથાના ભાગે લાકડાના ધોકા વડે ગંભીર ઈજાઓ પહોંચાડી તેમની હત્યા કરી હતી. એટલું જ નહીં, આરોપીએ ઘટના સ્થળે પડેલા લોહીની સફાઈ કરીને પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.આ ઘટના અંગે માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી દ્વારા આઈ.પી.સી. કલમ ૩૦૨, ૨૦૧ અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. મુખ્ય સેશન્સ જજ દિલીપ પી. મહીડાની અદાલતમાં આ કેસ ચાલવા પર આવતા પ્રોસીક્યુશન તરફે ૨૦ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને ૪૨ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પુરાવા અને દલીલોને ધ્યાને રાખીને  કોર્ટે ૭૮ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. અદાલતે આરોપી મહિપતસિંહ સોઢાને આજીવન સખ્ત કેદ અને ૧,૦૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, તેમજ જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં અધિક જિલ્લા સરકારી વકીલ પ્રવિણચંદ્ર વાણીયા અને સુરેશ એ. મહેશ્વરીએ દલીલો રજૂ કરી હતી. 
---------- 

Comments

COMMENT / REPLY FROM