વજન ઘટાડવા અને ફિટનેસ માટે આહારમાં કઠોળનું સેવન છે ‘રામબાણ’ ઈલાજ
જંક ફૂડનો ત્યાગ કરી કઠોળને પ્રાધાન્ય આપી ‘સ્વસ્થ ગુજરાત’ના સંકલ્પને સાકાર કરીએ
ભુજ - કચ્છઉદય : વર્તમાન સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને ખોટા ખાનપાનને કારણે મેદસ્વિતા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. કઠોળ માત્ર પોષણનો સ્ત્રોત નથી, પરંતુ વજન ઘટાડવા અને સ્વસ્થ શરીર જાળવવા માટે એક રામબાણ ઈલાજ સાબિત થાય છે.રાજ્ય સરકારના આ અભિયાન હેઠળ ખાસ કરીને મગને ‘સુપરફૂડ’ તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ રેટ વધે છે, જે કેલરી બાળવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. કઠોળમાં રહેલા આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સ વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન શરીરની નબળાઈ દૂર કરી સ્ફૂર્તિ પ્રદાન કરે છે. પ્રોટીનથી ભરપૂર આહાર લેવાથી સ્નાયુઓનું બંધારણ મજબૂત બને છે અને માત્ર બિનજરૂરી ચરબીનો જ નાશ થાય છે. કઠોળમાં પ્રોટીન અને ફાઈબર ખૂબ જ ઉચ્ચ માત્રામાં હોય છે. જ્યારે આપણે કઠોળનું સેવન કરીએ છીએ, ત્યારે તેમાં રહેલા ફાઈબરને કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જે વારંવાર લાગતી ભૂખ અને બિનજરૂરી ’ક્રેવિંગ્સ’ને રોકી વ્યક્તિને ઓવર-ઈટિંગથી બચાવે છે. વધુમાં, કઠોળનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોવાથી તે લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે, જે ચરબીના સંગ્રહને ઘટાડવામાં સીધી મદદ કરે છે.મગઃ મગને સવર્શ્રેષ્ઠ સુપરફૂડ ગણવામાં આવે છે. પચવામાં હળવા એવા ફણગાવેલા મગ નાસ્તામાં લેવાથી મેટાબોલિઝમ રેટ વધે છે અને કેલરી બાળવાની પ્રક્રિયા ઝડપી બને છે. ચણા (કાળા અને કાબુલી)ઃ ચણામાં રહેલું ફાઈબર પાચનતંત્ર મજબૂત બનાવે છે અને શરીરમાં જામેલી જૂની ચરબીને ઓગાળવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે. તુવેર અને મસૂરની દાળઃ રોજિંદા ભોજનમાં આ દાળોનો સમાવેશ સ્નાયુઓના બંધારણને મજબૂત કરે છે. વધુ પ્રોટીન મળવાથી શરીરની કાર્યક્ષમતા વધે છે અને નબળાઈ આવતી નથી. રાજમા અને ચોળાઃ આમાં રહેલા જટિલ કાર્બોહાઇડ્રેટ્સ શરીરના ઉર્જા સ્તરને જાળવી રાખે છે, જેથી કસરત કરતી વખતે થાક ઓછો લાગે છે.ગુજરાતમાં મગ અને તુવેરનું મબલખ ઉત્પાદન થાય છે. રાજ્ય સરકાર ખેડૂતોને કઠોળના વાવેતર માટે પ્રોત્સાહિત કરી રહી છે, જેથી નાગરિકોને શુદ્ધ અને ઓર્ગેનિક કઠોળ સરળતાથી મળી રહે. ગુજરાત હંમેશા તેના પૌષ્ટિક આહાર માટે જાણીતું રહ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મગ-મઠ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તુવેર દાળનું વિશેષ મહત્વ છે. સરકાર દ્વારા આવનારી પેઢીને બાળપણથી જ મેદસ્વિતાના જોખમથી બચાવવાના પ્રયાસોરૂપે મધ્યાહન ભોજન યોજનામાં કઠોળનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મેદસ્વિતામુક્ત અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને જંક ફૂડ અને તેલયુક્ત ખોરાકથી દૂર કરી કુદરતી પોષણ તરફ વાળવાનો છે. કઠોળમાં કોલેસ્ટ્રોલ નહિવત હોવાથી તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. ’સ્વસ્થ આહાર, સ્વસ્થ જીવન’ના મંત્ર સાથે જો આપણે દરરોજ ઓછામાં ઓછી એક વાટકી ફણગાવેલા પરંપરાગત કઠોળ કે દાળ આધારિત ભોજન તરફ વળીશું, તો મેદસ્વિતા જેવી જટિલ સમસ્યાઓથી ચોક્કસપણે મુક્તિ મેળવી શકાશે.

Comments