કંડલા સેઝના નિકાસકારને રાહત : ગુજરાત હાઈકોર્ટે સેન્ટ્રલ જીએસટીની નોટિસ પર સ્ટે મૂક્યો
સેઝ એક્ટ હેઠળ મળતી મુક્તિ અન્ય કાયદાઓ પર પણ પ્રભાવી હોવાનું અવલોકન કરતા હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી
ગાંધીધામ - કચ્છઉદય : ગુજરાત હાઈકોર્ટે કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) માં કાર્યરત પાન મસાલા ઉત્પાદક પાસેથી ટેક્સ વસૂલવાના સેન્ટ્રલ જીએસટી સત્તામંડળના પ્રયાસ પર વચગાળાની રોક લગાવી દીધી છે. જીએસટી વિભાગે કંપનીને ‘હેલ્થ સિક્યોરિટી એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ એક્ટ’ હેઠળ નોંધણી કરાવવા અને મશીનરીની વિગતો આપવા માટે નોટિસ ફટકારી હતી, જેને હાઈકોર્ટે અટકાવી દીધી છે.આ કેસની વિગતો મુજબ, કચ્છના સેન્ટ્રલ જીએસટી સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા કંડલા સેઝમાં વર્ષ ૨૦૧૫-૧૬ થી કાર્યરત અને ૧૦૦ ટકા નિકાસલક્ષી એકમ આર.આર. એક્સપોર્ટ્સને વિવિધ નોટિસો આપવામાં આવી હતી. આ કંપની તમાકુ, ગુટખા અને પાન મસાલાનું માત્ર નિકાસ માટે ઉત્પાદન કરે છે. વિભાગે આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં નોટિસ આપીને કંપનીને જાહેર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટેના ફંડ તરીકે ઉઘરાવવામાં આવતા એચ.એસ.એસ.એન.એસ. સેસ એક્ટ હેઠળ નોંધણી કરાવવા આદેશ આપ્યો હતો. કંપનીએ આ માંગણીનો વિરોધ કર્યો હતો પરંતુ સત્તાધિકારીઓ સહમત ન થતા અંતે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા.અરજદાર કંપની વતી એડવોકેટ શાર્વિલ મજમુદારે દલીલ કરી હતી કે સેઝ એક્ટ, ૨૦૦૫ની કલમ ૨૬ સ્પષ્ટપણે સેઝમાં આવેલી કંપનીઓને કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓમાંથી મુક્તિ આપે છે. વધુમાં, સેઝ એક્ટ અન્ય તમામ કાયદાઓ પર સર્વોપરી અસર ધરાવે છે, તેથી જીએસટી સત્તામંડળ આર.આર. એક્સપોર્ટ્સ પર નવા સેસ એક્ટની જોગવાઈઓ લાદી શકે નહીં. બીજી તરફ, કેન્દ્ર સરકારના વકીલે એવી રજૂઆત કરી હતી કે આ કાયદાની કલમ ૩ હેઠળ પાન મસાલા ઉત્પાદકોનો સમાવેશ કરદાતા તરીકે થાય છે.જસ્ટિસ એ. એસ. સુપૈયા અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે પ્રાથમિક સુનાવણી બાદ અવલોકન કર્યું હતું કે અરજદારની દલીલોમાં તથ્ય જણાય છે. હાઈકોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી ૨ એપ્રિલના રોજ નિયત કરી છે. ત્યાં સુધી કોર્ટે વચગાળાની રાહત આપતા જીએસટી વિભાગની નોટિસોના અમલ પર સ્ટે મૂક્યો છે.

Comments