રસાયણ મુક્ત ગાય આધારિત ખેતીના ઉત્પાદનથી સમાજને નિરોગી રાખવામાં ખેડૂત નિમિત્ત બને
સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત ગાય ખેતી અભિયાનના ખેડૂતોનું તપોવન ગુરૂકુળમાં પરિવાર મિલન યોજાયું
રામપર વેકરા - કચ્છઉદય : સ્વામિનારાયણ મંદિર- ભુજ પ્રેરિત ગાય આધારિત ખેતી અભિયાનને ચાર વર્ષ પૂર્ણ થતાં અનુભવોની આપ-લે માટે તપોવન ગુરૂકુળ- રામપર વેકરા ખાતે કચ્છભરના ખેડૂત ભાઈઓ - બહેનો માટે એક ખેડૂત પરિવાર મિલન યોજાયું હતું.સાતત્યપૂર્વક ચાલતાં આ અભિયાનના મુખ્ય માર્ગદર્શક અને ગુરુકુળના સંચાલક દેવચરણદાસજી સ્વામીજીએ જણાવ્યું હતું કે, સમાજને ઝેરમુક્ત ગાય આધારિત ખેતીનું અનાજ ખવડાવીને બિમારી મુક્ત રાખવાની બહુ મોટી જવાબદારી ખેડૂતોની છે ત્યારે ખેતીની અનેક પધ્ધતિના વારંવાર અખતરાઓને બદલે આપણા કચ્છ પ્રદેશની આબોહવા, ધરતી, પાણી અને વરસાદને અનુરૂપ ગાયને મુખ્ય આધાર બનાવીને વિકસાવેલ પધ્ધતિને સાતત્યપૂર્વક વળગી રહીને પોતાના પરિવાર પુરતી જમીનમાં નિષ્ઠાપૂર્વકના પ્રયોગો કરશું તો ખર્ચ ખૂબ ઘટશે અને ઉત્પાદનમાં સફળતા પણ મળશે.અભિયાનના સદસ્ય અને આરએસએસની ગૌસેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મેઘજીભાઈ હિરાણીએ દેશી ગાયના ગોબર અને ગૌમુત્રથી વધતી ધરતીની ફળદ્રુપતા અને ખાડા પધ્ધતિથી જમીનમાં અળસિયા અને ઉપયોગી જીવાણુઓનો અસંખ્ય માત્રામાં થતો વધારો સહિતના પોતાના લાંબા ગાળાના અનુભવો વર્ણવીને જે ખેડૂતોએ સતત ચાર - પાંચ વર્ષથી આ પધ્ધતિ અપનાવી છે તેઓને ખુબ સફળતા મળી હોવાથી સૌને આ દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો. અભિયાનમાં જોડાયેલ ૨૯૯ ખેડૂતોમાંથી ઉપસ્થિત અનેક ખેડૂતોએ સંવાદ સત્રમાં ગાય આધારિત ખેતીમાં પોતાને મળેલ સફળતાના અનુભવો સાથે પોતાને મુંઝવતા પ્રશ્નો પણ પૂછ્યા હતા. પ્રારંભે વડીલ સંત વિશ્વવલ્લભ સ્વામીએ ભુજ મંદિરના મહંત પૂ. ધર્મનંદનસ્વામીના સંકલ્પ અને આશીર્વાદથી ચાલતા આ નિષ્ઠાપૂર્વકના પ્રયાસને સફળ બનાવી ગાય માતા અને ભગવાનનો રાજીપો મેળવવાના આશિર્વચન આપ્યા હતા. અંતમાં સૌએ ગુરૂકુળમાં ચાલતી નમુનારૂપ એવી વિશાળ તપોવન ગૌશાળાનું દર્શન કરી ગોવ્રતિ ભોજન પ્રસાદ લઈને છુટા પડયા હતા એવું અભિયાનના સંયોજક રામજી વેલાણીની યાદીમાં જણાવાયું છે.

Comments