જસાપર વાંઢમાં ૯.૪૬ લાખનો ગાંજો પકડાયો
ભીમાસર ભુટકિયામાં ૯ કરોડની નશાની ખેતી પકડાયા બાદ પૂર્વ કચ્છમાં ૭મી કાર્યવાહી
ગાંધીધામ - કચ્છઉદય : રાપર તાલુકાના ભીમાસર ભુટકિયામાં ૯ કરોડની નશાની ખેતી પકડાયા બાદ પૂર્વ કચ્છ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા બાદ ખાસ કરીને વાગડ વિસ્તારમાં પોલીસે અચાનક ગાંજાના કેસ શોધવાનું શરૂ કર્યું છે. ટુંકા ગાળામાં વાગડ અને અંજાર, ગાંધીધામ વિસ્તારમાં એનડીપીએસના ૭ કેસ થયા છે. ભચાઉ તાલુકાના જસાપરવાંઢમાં સ્થાનિક સામખિયાળી પોલીસે દરોડો પાડયો હતો. આરોપી મૂળ માળિયા મિયાણાના હાલે અહીં રહેતા રસુલ અબ્દુલા ટાંકે પોતાના કબ્જાની ઓરડીની આસપાસ વગર પાસ પરમીટે ગાંજાના ૧૬ છોડ વાવેલા હતા. કુલ ૧૮.૯રપ કિલો ગાજો કિ.રૂા. ૯,૪૬,રપ૦નો મુદામાલ કબ્જે કરી આરોપી રસુલની અટક કરવામાં આવી હતી. આ કામગીરીમાં પીઆઈ જે.એમ. ઝાલા, પીએસઆઈ કે.જે. વાઢેર જોડાયા હતા. ક્રોસ તપાસ ગાગોદર પોલીસને સોપાઈ છે.
.................
હબીબને બચાવી લેવાયો? કોણે કરી રપ લાખની તોડ?
ગાંધીધામ : એક તરફ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ગુજરાત અને કચ્છને નશામુક્ત બનાવવા માટે રાત-દિવસ મહેનત કરવામાં આવી રહી છે અને માદક પદાર્થોની હેરફેર કરનારા ગુનેગારો સામે કડક કાર્યવાહીના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ આ જ પ્રકારના એક ગંભીર કેસમાં ‘હબીબ’ નામના શખ્સને આબાદ રીતે બચાવી લેવાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસ તંત્રના અમુક કથિત ભ્રષ્ટ તત્વો દ્વારા પોતાની રોકડી કરી લેવાની લાયમાં આ પ્રકરણમાં મસમોટો વહીવટ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. આ ચકચારી કિસ્સામાં હબીબ નામના વ્યક્તિનું નામ ખુલવા છતાં અને તેની ભૂમિકા શંકાસ્પદ હોવા છતાં, અંદરખાને થયેલા વ્યવહારના કારણે તેને કાયદાના સકંજામાંથી મુક્ત રાખવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પ્રકરણમાં અંદાજે ૨૫ લાખ રૂપિયાની મોટી લેતીદેતી થઈ હોવાની વાતો વહેતી થતા અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે જો આટલી મોટી રકમ આપીને કોઈ શખ્સ છૂટી જતો હોય, તો તેની પાસે માદક પદાર્થો અને ગાંજાની હેરફેરનું કેટલું મોટું નેટવર્ક હશે તે સમજી શકાય તેમ છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે ઊંડી તપાસ કરીને એ સત્ય બહાર લાવે છે કે કેમ કે આખરે લાખોનો તોડ કરીને હબીબને બચાવનાર અસલી ચહેરાઓ કોણ છે? આ ઘટનાએ નશામુક્ત કચ્છના અભિયાન સામે મોટા પ્રશ્નાર્થો ખડા કર્યા છે.

Comments