ગાંધીધામમાં એમ.ડી. ડ્રગ્સ અને પોષડોડા સાથે યુવક ઝડપાયો
નવી સુંદરપુરીના રાયમા ચોક વિસ્તારમાં બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી, રાજસ્થાનના કનેક્શનની આશંકા સાથે તપાસ તેજ
ગાંધીધામ : શહેરને નશામુક્ત કરવાના અભિયાન હેઠળ પૂર્વ કચ્છ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે રાયમા ચોક વિસ્તારમાં દરોડો પાડીને એક શખ્સને પ્રતિબંધિત માદક પદાર્થોના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં એમ.ડી. ડ્રગ્સ અને પોષડોડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેના કારણે નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ કેસની વિગતો મુજબ, સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચના મુજબ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન કાર્યરત છે. આ દરમિયાન ગાંધીધામ એ-ડિવિઝન પોલીસના પીઆઈ એમ.ડી. ચૌધરી અને તેમની સર્વેલન્સ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવી સુંદરપુરી રાયમા ચોક પાસે એક શખ્સ નશાના જથ્થા સાથે હાજર છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પંચોની હાજરીમાં રાયમા ચોક ઇમામ ચોક પાસે રહેતા મોહસીન હાસમભાઈ હાલેપોત્રા નામના ૩૦ વર્ષીય યુવાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી ૮.૦૬ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત આશરે ૮૦,૬૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત ૦.૧૯૦ કિલોગ્રામ પોષડોડા અને ૦.૦ર૩ ગ્રામ પોષડોડાનો પાઉડર તેમજ ઓપો કંપનીનો મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વજન કાંટો મળી કુલ ૯૩,૯૧૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એફ.એસ.એલ. અધિકારી દ્વારા માદક પદાર્થોનું પરીક્ષણ કરાવી પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપીને આ નશાનો જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતેથી કોઈ અજાણ્યા શખ્સે પૂરો પાડ્યો હતો. આ સમગ્ર નેટવર્ક કઈ રીતે ચાલતું હતું અને અન્ય કોણ કોણ આમાં સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી અગાઉ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે જુગારધારાના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. આ કામગીરીમાં પીઆઈ એમ.ડી. ચૌધરી, પીએસઆઈ વી.એચ. ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

Comments