Trending News
સ્થાનિક સમાચાર

ભુજ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી

05 March

ઇમેઇલ દ્વારા મળેલી ધમકી બાદ સમગ્ર સંકુલ ખાલી કરાવાયું : એક સપ્તાહ પૂર્વે હેડ પોસ્ટ ઓફિસને પણ નિશાન બનાવવાની  મળી હતી ધમકી : પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું

બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી

વારંવાર મળી રહેલી ધમકીઓ પાછળ કોઈ અસામાજિક તત્વોની ટીખળ કે પછી કોઈ મોટું કાવતરું તે દિશામાં પોલીસે કર્યા તપાસના ચક્રો ગતિમાન


ભુજ - કચ્છઉદય : ભુજ શહેરના અત્યંત વ્યસ્ત અને સરકારી કચેરીઓથી ઘેરાયેલી  સેશન્સ કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. ગઈકાલે ધૂળેટીના પર્વની જાહેર રજા બાદ આજે સવારે ભુજના કોર્ટ પરિસરમાં રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ હતી. આજે સવારના સમયે કોર્ટની કામગીરી જ્યારે પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે અચાનક ઇમેઇલ મારફતે મળેલી આ ધમકીએ તંત્રને દોડતું કરી દીધું હતું.  સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ન્યાયાધીશો, કોર્ટના સ્ટાફ, વકીલો અને અસીલો સહિત સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અચાનક કોર્ટ ખાલી કરાવવાના આદેશથી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો કોર્ટ સંકુલની બહાર એકત્ર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા સમગ્ર સંકુલને કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને ખૂણેખૂણાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ ગત શુક્રવાર તારીખ ૨૭મી ફેબ્રુઆરીના રોજ જ ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ આ જ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, તે સમયે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, જેનાથી તંત્રએ રાહત અનુભવી હતી.
માત્ર એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં ભુજના લોકો અને અરજદારોની સતત અવરજવરથી ધમધમતા રહેતા બે મહત્વના સરકારી ભવનોને નિશાન બનાવતા ધમકીભર્યા સંદેશા મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. વારંવાર મળી રહેલી આ ધમકીઓ પાછળ કોઈ અસામાજિક તત્વોની ટીખળ છે કે પછી કોઈ મોટું કાવતરું, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં કોર્ટની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે અને સંપૂર્ણ સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હજુ સુધી સુરક્ષા એજન્સીઓને કોઈ વાંધાજનક વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો નથી.


 

Comments

COMMENT / REPLY FROM