ભારાપર-કિડાણામાં ઉદ્યોગગૃહના પ્રદૂષણ સામે આહિર સમાજનો ઉગ્ર વિરોધ
જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર : સાત મહિના પહેલાં પ્લાન્ટ ખસેડવાની ખાતરી આપ્યા બાદ પણ કામગીરી શરૂ ન થતાં અને નવો પ્લાન્ટ ઊભો કરવાની હિલચાલ થતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ તાલુકાના ભારાપર-કિડાણા ખાતે આવેલા પવિત્ર ગુરુદ્વાર હાજલ દાદાની જાગીર પાસે કાર્યરત એક ખાનગી ઉદ્યોગગૃહસાલ (શાહ એલોયઝ) દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ મામલે સ્થાનિક આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંતશ્રી હાજલ દાદા જાગીર સેવક ગણ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને એક રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે શાલ એલોયઝ નામક ઉદ્યોગગૃહ દ્વારા આસપાસના વિસ્તારમાં અત્યંત હવા અને અવાજનું પ્રદૂષણ કરવામાં આવે છે, જેનાથી સ્થાનિક પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે.
આ અંગે વિગત આપતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને આહીર અગ્રણી વી.કે.હુંબલે જણાવ્યું હતું કે, આ મામલે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આશરે સાત મહિના પહેલા થયેલી મૌખિક સમજૂતી મુજબ કંપનીએ આ પ્લાન્ટ અન્યત્ર ખસેડવાની ખાતરી આપી હતી. જોકે, આજ દિન સુધી આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તેનાથી વિપરીત, હાલમાં આ ઉદ્યોગગૃહ દ્વારા તે જ સ્થળે નવો રોલિંગ પ્લાન્ટ ઊભો કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. આ નવી હિલચાલને કારણે આહિર સમાજની ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન ગુરુદ્વારાની પવિત્રતા અને પ્રાચીન અસ્મિતા જોખમાઈ રહી હોવાનો ગંભીર આરોપ સેવક ગણ દ્વારા મૂકવામાં આવ્યો છે.
કચ્છ મંડળ આહીર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડે આ બાબતે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી આ કંપની સતત પ્રદૂષણ ફેલાવી રહી છે, જેના કારણે કિડાણા, ભારાપર, અંજાર, આદિપુર અને તુણા જેવા વિસ્તારોમાં લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. કંપનીના સંચાલકોને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રદૂષણ ઓછું થવાને બદલે સતત વધી રહ્યું છે. ખાસ કરીને નવી કંપનીના હસ્તાંતરણ બાદ પ્રદૂષણની માત્રામાં ધરખમ વધારો થયો છે જે સહનશક્તિની બહાર છે.
આ પ્રદૂષણના પ્રશ્ને આહીર સમાજ અને ગ્રામજનોએ એકસૂત્રે નિર્ણય કર્યો છે કે આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપીને કંપનીની અનિયમિતતાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવશે. તેજાભાઈ કાનગડે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતી આ કંપનીને બંધ કરાવવામાં નહીં આવે, તો ગ્રામજનો ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર ઉતરશે.
આજરોજ કલેક્ટરને પાઠવેલા પત્રમાં આહિર સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ આ પ્લાન્ટનો જાહેર વિરોધ કરે છે અને આ મામલે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકારવામાં આવશે નહીં. વધુમાં, આ ઉદ્યોગગૃહ દ્વારા આસપાસની જમીન કઈ રીતે મેળવવામાં આવી છે તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ વિવાદને કારણે જો આગામી સમયમાં કોઈ પણ પ્રકારની અરાજકતા ફેલાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે. આ વેળાએ ગોવિંદભાઈ કાનાભાઈ આહીર, રઘુભાઈ રાજાભાઈ આહીર, ચેતનભાઇ આહીર, ધનાભાઈ ખીમાભાઈ આહીર, લખુભાઈ નારણભાઈ આહીર વગેરે આહીર સમાજના અગ્રણીઓ ઉપરાંત આહીર સેના ગુજરાતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Comments