માધાપર મઢુલી પાસે સ્પીડ બ્રેકરના કારણે એસટી બસનો અકસ્માત : ૯ને ઈજા
ભુજ - કચ્છઉદય : ભુજથી માધાપર તરફ જતી એસટી બસને મઢુલી પાસે અકસ્માત નડયો હતો. અહીં સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે. તેના પર પટ્ટા નથી. આ દરમ્યાન બસ ચાલકે અચાનક બ્રેક મારતા બસની અંદર બેઠેલા પ્રવાસીઓ સીટ અને બારીમાં ભટકાતા મુઢમાર જેવી ઈજાઓ થતા જી.કે. જનરલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંદાજે નવ જેટલા પ્રવાસીઓને હળવી ઈજાઓ થઈ હતી. મોટા ભાગના ઈજાગ્રસ્તો નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ હોવાનું જાણવા મળ્યું છે. કોઈ જાનહાની થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજમાં હાલમાં રસ્તા નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જેમાં ઘણા સ્થળોએ સ્પીડ બ્રેકર બનાવ્યા છે, પરંતુ તે હદ કરતા ઉંચા અને નિયમોને નેવે મુકી બનાવાય છે. સફેદ પટ્ટા કે રેડીયમ નથી. નવા ડ્રાઈવરને આ સ્પીડ બ્રેકર દેખાય પણ નહીં આ બાબતે અવાજ ઉપાડવા છતાં તંત્ર દ્વારા ગંભીરતા લેવામાં આવી નથી. ઉપરાંત સ્મૃતિવનથી નળસર્કલ જતો રસ્તો ઢાળ વાળો હોવાથી અચાનક ગાડીઓ ગતિ પકડી લેતી હોય છે ત્યારે મઢુલી પાસે બનાવાયેલા સ્પીડ બ્રેકરથી આ બનાવ બન્યો હતો. તંત્રએ અહીં ગંભીરતા દાખવી નિયમ પ્રમાણે સ્પીડ બ્રેકર, રેડીયમ, સફેદ પટ્ટા બનાવવા જોઈએ.

Comments