વરસાણામાં ૪.૪૭ લાખના હેરોઇન સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો
હોટલ પર દરોડો પાડી નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરાયો : મુખ્ય સપ્લાયરનું નામ ખુલ્યું
અંજાર - કચ્છઉદય : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન ઇસ્ટ-કચ્છ’ અભિયાન અંતર્ગત અંજાર પોલીસ મથકની ટીમે બાતમીના આધારે વરસાણા ગામ પાસે આવેલી એક હોટલ પર દરોડો પાડીને ૪.૪૭ લાખની કિંમતના હેરોઇન સાથે એક આરોપીની ધરપકડ કરી છે.સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ પોલીસની ટીમ ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે સતર્ક હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વરસાણા ગામના બસ સ્ટેશન પાસે આવેલી પતરાવાળી હોટલ (ઢાબા) પર નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે તુરંત કાર્યવાહી કરીને હોટલ પર દરોડો પાડ્યો હતો, જ્યાં તપાસ દરમિયાન ૨૨.૩૭ ગ્રામ હેરોઇન (સ્મેક, ચીટા) મળી આવ્યું હતું. આ જથ્થાની બજાર કિંમત અંદાજે ૪.૪૭ લાખ રૂપિયા જેટલી થાય છે. પકડાયેલા આરોપીની ઓળખ પ્રકાશકુમાર હરીંગારામ બિશ્નોઈ તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો વતની છે અને હાલ વરસાણામાં આ હોટલ ચલાવે છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે હોટલ પર આવતા ગ્રાહકોને છૂટક રીતે ડ્રગ્સ વેચતો હતો. વધુમાં આ નશીલા પદાર્થનો જથ્થો તેને રમેશભાઈ હરીરામ બિશ્નોઈ નામના શખ્સે પૂરો પાડ્યો હોવાનું સામે આવ્યું છે. અંજાર પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, ભીમાસર ભુટકિયામાં રેન્જ પોલીસે ૯ કરોડની નશાની ખેતી પકડી પાડ્યા બાદ જિલ્લામાં પોલીસનો પાંચમો કેસ છે.

Comments