કારની બોનેટમાં લોકના ભાગે છૂપાવેલું ૧૯ લાખનું ૯પ ગ્રામ હેરોઈન પકડાયું
રેન્જ પોલીસે ‘નશા’ની ખેતી શોધ્યા બાદ પોલીસતંત્રની નજર હવે વાગડ પર મંડાઈ
આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન એસઓજીને મળેલી સફળતા : પંજાબના શખ્સને ઝડપી લેવાયો
ગાંંધીધામ - કચ્છઉદય : પખવાડીયામાં એસએમસીએ કચ્છમાં ત્રણ રેડ કરીને સાત કરોડનો દારૂ ઝડપી પાડયો અને કચ્છ આવે તે પૂર્વે ત્રણ કરોડનો દારૂ માળીયા અને રાજકોટમાં પકડી લીધા બાદ રેન્જ પોલીસે પોતાની કામગીરી બતાવી રાપર તાલુકાના ભીમાસર ભુટકીયામાં ગાંજાની નવ કરોડની ખેતી પકડી હતી. એસએમસી અને રેન્જ પોલીસે કાર્યવાહી કર્યા બાદ હવે અચાનક પૂર્વ કચ્છ પોલીસને વાગડ યાદ આવ્યું છે. આડેસર, ગાગોદર અને લાકડીયા પોલીસે ગાંજાના કેસ કર્યા બાદ હવે એસઓજીએ આડેસર ચેકપોસ્ટ પર કારમાંથી ૯પ ગ્રામ હેરોઈન કબજે કર્યું છે, જેની કિંમત ૧૯ લાખ આંકવામાં આવી છે.
આ ઘટનાની વિગત મુજબ, પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે એક ઇકો સ્પોર્ટ કારમાં હેરોઈનનો જથ્થો લઈને એક શખ્સ રાધનપુર તરફથી આડેસર થઈ કચ્છમાં પ્રવેશવાનો છે. બાતમીના આધારે પોલીસે આડેસર ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરીને શંકાસ્પદ કારને અટકાવી હતી.પોલીસે જ્યારે કારની ઝીણવટભરી તપાસ કરી ત્યારે કારના એન્જિન પાસેના બોનેટના લોખંડના ભાગમાં લોક પાસે છુપાવેલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક ગુરવિન્દરસિંગ નિર્ભયસિંગ ઢીલોન રહેવાસી પંજાબની અટકાયત કરી છે. તેની પાસેથી ૯પ.૯પ ગ્રામ હેરોઈન ઉપરાંત બે મોબાઈલ ફોન અને ઇકો સ્પોર્ટ કાર મળી કુલ ૨૪,૪૪,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પંજાબના જ અન્ય એક શખ્સ ગુરમીતસિંગનું નામ પણ બહાર આવ્યું છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી. પી.આઈ. બી.જી. ડાંગર અને તેમની ટીમ તેમજ આડેસર ચેકપોસ્ટનો સ્ટાફ જોડાયો હતો. આડેસર પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments