Trending News
સ્થાનિક સમાચાર

બાલાસરમાં ૬ વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદ

28 February


પૂર્વ કચ્છ પોલીસે ગણતરીના દિવસોમાં ચાર્જશીટ રજૂ કરતા ભચાઉ કોર્ટે માત્ર ૨૪૦ દિવસમાં આપ્યો ઐતિહાસિક ચુકાદો

ભચાઉ - કચ્છઉદય : પૂર્વ કચ્છના બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત વર્ષે બનેલી સગીર બાળા પર દુષ્કર્મની શરમજનક ઘટનામાં ભચાઉની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ બાલાસર પોલીસે ગુનાની ગંભીરતા સમજીને માત્ર ૪૩ દિવસના ટૂંકા ગાળામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની ઝડપી ટ્રાયલ ચલાવી નામદાર બીજા અધિક સેશન્સ સ્પેશિયલ જજ દ્વારા ગુનો દાખલ થયાના માત્ર ૨૪૦ દિવસની અંદર આરોપી પ્રભુભાઈ ઉર્ફે હગાભાઈ નિલાભાઈ કોલીને કસૂરવાર ઠેરવી જેલના સળિયા પાછળ ધકેલી દેવાનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, ગત ૨૯ જૂન ૨૦૨૫ના રોજ બાલાસર પોલીસ મથકે પાંચ વર્ષની બાળા પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે તપાસનીશ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. દવેએ ઝીણવટભરી તપાસ કરી જરૂરી દસ્તાવેજી અને સાંયોગિક પુરાવાઓ એકત્રિત કર્યા હતા. કોર્ટમાં સરકારી વકીલ ડી.એસ. જાડેજાની ધારદાર દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપીને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૬૫(૨) તથા પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ મુજબ ૨૦ વર્ષની કેદ અને રૂપિયા ૫,૦૦૦ના દંડની સજા ફટકારી છે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં પોલીસની સક્રિયતા અને ન્યાયતંત્રની ત્વરિત કામગીરીને પગલે સમાજમાં કડક સંદેશ ગયો છે.
------- 

 

Comments

COMMENT / REPLY FROM