જય હિંદ ટ્રોફી સેમિફાઈનલમાં કેસીએ ભુજની ભાવનગર રૂરલ પર ૯૪ રનથી જીત
ભુજ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આંતર જિલ્લા જય હિંદ ટ્રોફી ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની સુરેન્દ્રનગર ખાતે રમાયેલી સેમીફાઇનલ મેચમાં કેસીએ ભુજ સિનિયર ટીમે ભાવનગર રૂરલ ટીમને ૯૪ રનથી પરાજય આપ્યો હતો. આ જીત સાથે ભુજ ટીમે આવતા વર્ષ માટે એલાઇટ ગ્રુપમાં ક્વોલિફાય કર્યું છે.
ટોસ જીતી ભુજ ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ટીમ ૬૬.૩ ઓવરમાં માત્ર ૨૧૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભુજ તરફથી ધ્રુવ ગોસ્વામી (૩૯), હિરેન કેરાઈ (૩૭), કિશન વરસાણી (૩૦), અવિનાશ કેરાઈ (૨૬), પિયૂષ રાઠોડ (૨૪) અને પૂર્વા રાઠોડ (૨૦) રનનું યોગદાન આપ્યું હતું. ભાવનગર રૂરલ તરફથી રાહુલ વાકાણીએ ૫ વિકેટ લીધી હતી. ભાવનગર રૂરલની પ્રથમ ઇનિંગની શરૂઆત નબળી રહી હતી અને ૧૬ રનમાં બે ઓપનર સહિત ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભુજ તરફથી અક્ષય શિરૂએ ૨ અને ધ્રુવમ પટેલે ૧ વિકેટ લીધી હતી. પ્રથમ દિવસના અંતે ભાવનગર રૂરલ ટીમે ૨૪ ઓવરમાં ૮૧ રન પર ૩ વિકેટ ગુમાવી હતી. બીજા દિવસે ભાવનગર રૂરલ ટીમ ૬૬.૪ ઓવરમાં ૨૧૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં અજુન રાઠોડ (૧૦૩) અને પવન પરમાર (૭૦) મુખ્ય રહ્યા હતા. ભુજ તરફથી ધ્રુવમ પટેલે ૪ અને અવિનાશ કેરાઈએ ૩ વિકેટ લીધી હતી. બીજા દાવમાં ભુજ ટીમે ૪૪.૫ ઓવરમાં ૨૨૦ રન કર્યા હતા, જેમાં ધ્રુવ ગોસ્વામી (૬૦), પૂર્વા રાઠોડ (૪૭), હિરેન કેરાઈ (૨૪) અને કિશન વરસાણી (૨૨) રનનું યોગદાન આપ્યું હતું. ભાવનગર રૂરલ તરફથી ધર્મવીર જાડેજાએ ૪ વિકેટ લીધી હતી. પ્રથમ ઇનિંગમાં મળેલી ૭ રનની સરસાઈ સાથે ભાવનગર રૂરલને ત્રીજા દિવસે ૨૨૮ રનનો લક્ષ્ય મળ્યો હતો. પરંતુ કચ્છની બોલિંગ સામે ભાવનગર રૂરલ ટીમ ૩૪ ઓવરમાં માત્ર ૧૩૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભાવનગર રૂરલ તરફથી માત્ર અજુન રાઠોડે ૬૫ રન કર્યા હતા. ભુજ તરફથી કેપ્ટન કિશન વરસાણીએ ૪, જયદીપ જોશીએ ૩, અવિનાશ કેરાઈએ ૨ અને અક્ષય શિરુએ ૧ વિકેટ લીધી હતી. ૯૪ રનથી શાનદાર જીત સાથે ભુજ ટીમ ટોપ-૨માં સ્થાન મેળવી આવતા વર્ષ માટે એલાઇટ ગ્રુપમાં ક્વોલિફાય થઈ હતી. જીત બદલ કચ્છ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને સિલેક્ટરોએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ટીમના મેનેજર તરીકે અમિતભાઈ રાઠોડ અને કોચ તરીકે મહેશભાઈ પંડ્યાએ સેવા આપી હતી.
-------------

Comments