Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ૧૮ર કરોડના સાયબર કૌભાંડમાં બેંક મેનેજરો જ નીકળ્યા મદદગાર

27 February


કંડલા ઝોન એચડીએફસી બેંક અને ગાંધીધામની જના બેંકના મેનેજર અને એજન્સી મેનેજરની કરાઈ ધરપકડ : ટાર્ગેટ પુરા કરવા માટે અને કમિશનની લાલચે નકલી પેઢીના નામે ખોટા ખાતા ખોલી આપ્યા હોવાનો ખુલાસો : સાયબર પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલા બેંક ખાતા અનફ્રીઝ કરવામાં આ ગુનેગારોએ મદદ કરી હોવાનો પણ ઘટસ્ફોટ થયો 


ગાંધીધામ - કચ્છ ઉદય : દુકાનનું ભાડુ ન ચૂકવાતા પોલીસ સ્ટેશને થયેલી અરજી અને ત્યાંથી શરૂ થયેલી તપાસમાં ગાંધીધામમાં ૧૮ર કરોડનું સાયબર કૌભાંડ પકડાયું હતું. ભારતભરમાં ઠગાઈ કરી ૮૧ બેંક ખાતામાં ૧૮ર,૩૭,૬૮,૮૬ર રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. અન્ય લોકોના નામે દુકાન ભાડે રાખી તેના આધારે ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી. આ સર્ટિફિકેટના આધારે બેંક ખાતા ખોલાવી ઠગાઈ કરવાના આ કારસામાં હવે બેંકોના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આ કૃત્યમાં તેમનો પણ ફાળો રહેલો છે. 
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારની કડક સૂચના બાદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના નામે મ્યુલ એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડ આચરતી ટોળકી વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી હતી. આ તપાસના તાર બેંકની અંદર સુધી પહોંચતા બેંકિંગ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોપીઓએ ભેગા મળીને ભારતભરમાં અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હતી અને આ ગેરકાયદેસર નાણાકીય હેરફેર કરવા માટે કુલ ૮૧ જેટલા બેંક એકાઉન્ટ્‌સનો ઉપયોગ કર્યો હતો. આ ખાતાઓમાં આશરે ૧૮૨ કરોડ ૩૭ લાખ ૬૮ હજાર ૮૬૨ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું, જ્યારે પોલીસે પકડાયેલા આરોપીઓની રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ હાથ ધરી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે એચડીએફસી બેંક કંડલા ઝોન શાખા અને જના સ્મોલ ફાઇનાન્સ બેંક ગાંધીધામ શાખાના મેનેજરો આ ગેરરીતિમાં સીધી રીતે સામેલ હતા. બેંકના આ જવાબદાર અધિકારીઓએ પોતાના બેંકિંગ ટાર્ગેટ પૂરા કરવાની લાલચમાં અને કમિશન મેળવવાની લાલચમાં કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વિના નકલી ઇન્વોઇસના આધારે ખોટી પેઢીઓના નામે કરંટ એકાઉન્ટ્‌સ ખોલી આપ્યા હતા. એટલું જ નહીં, સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર મળેલી ફરિયાદના આધારે જે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા, તેને ફરીથી અનફ્રીઝ કરાવવામાં પણ આ બેંક અધિકારીઓએ ગુનેગારોને સક્રિય મદદ કરી હતી. પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એચડીએફસી બેંકના કંડલા ઝોન બ્રાન્ચના મેનેજર ગાંધીધામમાં રહેતા ચંદન કપિલભાઈ પંડ્યા અને એજન્સી મેનેજર તુણામાં રહેતા યાસીન રમજુભાઈ સાયેચા તેમજ જના બેંકના મેનેજર મેઘપર (બોરીચી)ના હિતેશ કિશનભાઈ કપ્તાનો સમાવેશ થાય છે. આ કેસમાં આદિપુરના દીપક જેઠાલાલ શર્માનું નામ સામે આવ્યું છે જે પોલીસ પકડથી દૂર છે જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. આ કામગીરીમાં સાયબર ક્રાઈમના પીઆઈ ડી.જી.પટેલ, પીએસઆઈ એચ.બી.કોવાડિયા જોડાયા હતા. 


..................

કચ્છઉદયના અહેવાલને મળ્યું સમર્થન


૧૮ર કરોડના મ્યુલ બેંક એકાઉન્ટના કૌભાંડામા બેંકના લાપરવાહો કોણ કોણ છે? તેની કેમ તપાસ ન થાય? આવી માર્મિક ટકોર તા.૧૭-ર-૨૦૨૬ના રોજ પાના ન. ૩ પર આ જ પ્લેટફોર્મ મારફતે કરવામાં આવી હતી. જે બાદ હવે બેંક મેનેજરોના નામ ખુલવા પામતા કચ્છઉદયના અહેવાલને સચોટ સમર્થન મળ્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM