ભુજનું રોટરી હિલગાર્ડન ચાર લાખ ફૂલોથી મહેકી ઉઠ્યું
ભુજના આંગણે આંતરરાષ્ટ્રીય કક્ષાના ભવ્ય ફ્લાવર શોનો પ્રારંભ : એંસી લાખના ખર્ચે નિર્મિત ૧૦૦થી વધુ કલાકૃતિઓ નિહાળવા બે લાખથી વધુ મુલાકાતીઓ ઉમટી પડે તેવી શક્યતા : ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓને અપાશે ફ્રી એન્ટ્રી
ભુજ - કચ્છઉદય :કચ્છના લોકોને આંતર રાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો માણવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે બહોળી સંખ્યામા લાભ લેવાય તેવી આપીલ ફ્લાવર શોને ખુલ્લો મુક્તા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે કરી હતી.
ભુજ શહેરી વિકાસ વિસ્તાર મંડળના ટાઉન પ્લાનર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ આ ફ્લાવર શો અંગે વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે તે માટે અપીલ કરી હતી અને હિલગાર્ડન કમિટીને અપીલ કરતાં જણાવ્યુ હતું કે, બાળકોને નિઃશુલ્ક પ્રવેશ અપવા તથા તેમને કોઈ હાનિ ન પહોંચે તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂક્યો હતો. આ ફ્લાવર શો અંગેની વિગતો આપતા રોટરી ચેરિટેબલ સોસાયટીના પ્રમુખ ડો. નવગણ આહિરે જણાવ્યુ હતું કે, તા.૩૧/૩ સુધી ચાલનાર આ ફ્લાવર શોને સફળ બનાવવા તથા મુલાકાતીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સમગ્ર હિલગાર્ડન કમિટી કાર્યરત થયેલ છે.
આયોજનની વિગતો અનુસાર હિલગાર્ડન મુલાકાતીઓના આનંદ પ્રમોદમાં વધારો થાય અને મનોરંજન પણ થાય તે માટે એસીં લાખ રૂપિયાના ખર્ચે વિવિધ પશુ, પક્ષીઓ, ગેટ, વૃક્ષો સહિતની ૧૦૦ જેટલી ફ્લાવર કૃતિઓ તૈયાર કરવામાં આવેલ છે જે માટે આશરે ત્રણથી ચાર લાખ આર્ટિફિસિયલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવેલ છે, જે માટે છેલ્લા એક માસથી ૪૦ જેટલા તજજ્ઞ આર્ટિસ્ટો અહી રાત-દિવસ જોયા સિવાય તૈયારીમાં વ્યસ્ત થયેલા છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના ફ્લાવર શો આ અગાઉ અમદાવાદ, રાજકોટ અને જામનગર ખાતે થયેલ ત્યાં ભારે લોકપ્રિયતા બાદ અત્રે તેની પ્રસ્તુતિ થનાર છે, જેને માણવા એક માસ દરમિયાન બે લાખ લોકો આવશે તેવી ધારણા સાથે કોઈ અડચણ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામા આવેલ હોવાનું જણાવ્યું હતું.
હિલગાર્ડન કમિટીના ચેરમેન નરેન્દ્ર મીરાણીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સ્કૂલ પ્રવાસોને આ બાબતે અગ્રતા આપતા હિલગાર્ડન એન્ટ્રી પાસ મફત અપાશે તથા ફ્લાવર શો માટે ૫૦ ટકા રાહત અપાશે. કચ્છમાં ભુજ અને તેના આસપાસના સ્કૂલના ૨૦,૦૦૦ બાળકોને મફત પાસ આપવાનું આયોજન પણ ગોઠવવામાં આવ્યું છેે ફ્લાવર શોના સંચાલક ચિરાગ પરમાર તથા કિરીટ વ્યાસે ફ્લાવર શોની વિગતો આપતા જણાવ્યું હતું કે, બાળકોને મનગમતા એવા પશુ - પક્ષીઓ જેવા કે હાથી, ઘોડા, મોર, બતક, કાચબા, હરણ, ચકલીઓ, મિકીમાઉસ, કલાત્મક ગેટ વિગેરે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવામાં આવેલ છે, જેની પ્રસ્તુતિ કચ્છના લોકો વધાવી લેશે તેમાં શંકાને સ્થાન નથી.
ચેરિટેબલ ટ્રસ્ટનાં ઉપપ્રમુખ જયેશ શાહ, સીએ ઈશ્વર દેસાઇ, રોટરી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડો.ઊર્મિલ હાથી, ભરત ત્રિવેદી, વિમલ ખારેચા વિગેરેએ હાજર રહી ઉપયોગી સૂચનો કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ રોટરી લાયબ્રેરી ચેરમેન પ્રફુલ ઠક્કરે કરેલ હતી.
-----

Comments