સર્વાઇકલ કેન્સર ફ્રી ઈન્ડિયા એચપીવી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે
કચ્છમાં અંદાજિત ૨૧,૦૦૦ કિશોરીઓને એચપીવી વેક્સિન અપાશે
ભુજ - કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ અજમેર, રાજસ્થાન ખાતે ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી એચપીવી રસીનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ થનાર છે. તે અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યવ્યાપી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. મહિલાઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે રાજ્યની ૧૪ વર્ષની દીકરીઓનું રસીકરણ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં અંદાજિત ૨૧,૦૦૦ કિશોરીઓને એચપીવી વેક્સીન આપવામાં આવશે, જેથી જિલ્લામાં ગર્ભાશયના મુખના કેન્સર સામે મજબૂત સુરક્ષા કવચ ઉભું કરી રોગ સામે રક્ષણ મેળવી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એચપીવી રસીકરણ અભિયાન અને સાવચેતી અંતર્ગત સ્ટ્રેટેજિક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં લાભાર્થીઓની ઓળખ - ૧૪ વર્ષની વય ધરાવતી તમામ કિશોરીઓનો હેડ કાઉન્ટ સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવશે. ટેકો+ અને સીટીએસ મુજબના અંદાજિત લક્ષ્યાંકની હેડ કાઉન્ટ સાથે વેરિફિકેશન કરવામાં આવશે. શાળા બહારની કિશોરીઓનું રસીકરણ ૩ મહિના સુધી સંબંધિત કોલ્ડ ચેઈન પોઈન્ટ પર કરવામાં આવશે. શિક્ષણ વિભાગ સાથે સંકલન - નોડલ શિક્ષક દ્વારા પાત્ર કિશોરીઓની યાદી આરોગ્ય વિભાગને આપવામાં આવશે. ખાનગી શાળાઓને પૂર્વ સૂચના આપી અભિયાનમાં જોડવામાં આવશે. જિલ્લા - કોર્પોરેશન આરોગ્ય અધિકારી સાથે સંકલન કરી આયોજન મુજબ કામગીરી થશે. પેરેન્ટ-ટીચર મીટિંગ, દરેક શાળામાં ખાસ પીટીએમનું આયોજન કરાશે, આરોગ્ય કર્મચારી - નોડલ શિક્ષક દ્વારા રસીકરણ પૂર્વે અને એચપીવી રસી અંગે જાગૃતિ કાર્યક્રમો કરાશે. આઈઈસી પ્રવૃત્તિઓ - સર્વાઇકલ કેન્સર અને એચપીવી રસી અંગે પોસ્ટર, બેનર, પેમ્ફ્લેટ અને માઇક પ્રચાર દ્વારા વ્યાપક જનજાગૃતિ, સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયા દ્વારા પણ માહિતી પ્રસાર કરવામાં આવશે. કચ્છમાં “સ્વસ્થ દીકરી - સુરક્ષિત ભવિષ્ય” અંતર્ગત ૧૪ વર્ષની દીકરીઓને એચપીવી રસી અપાવી ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષિત કરવા વાલીઓ, શાળા સંચાલકો અને સમાજના આગેવાનોને સહકાર આપવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
---

Comments