ગાંધીધામમાં રમતનું મેદાન લોહીથી ખરડાયુંઃ ક્રિકેટ રમવા બાબતે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
બેટના ફટકાથી પિતાને હેમરેજ અને પુત્રને ટાંકા આવ્યાઃ હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધાયો : એ ડીવીઝન પોલીસે હુમલાખોરોને રાઉન્ડઅપ કર્યા
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામના લીલાશાહ નગર વિસ્તારમાં આવેલી ગરબી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે થયેલી સામાન્ય તકરારનો મામલો ગંભીર બન્યો હતો. મેડિકલ સ્ટોર ચલાવતા ચેતનભાઈ શેઠના ભાઈ હિતેષભાઈ અને તેમનો પુત્ર ઋષભ જ્યારે મેદાનમાં હતા ત્યારે અન્ય છોકરાઓ પણ ત્યાં ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન બોલ વાગવા જેવી બાબતે હિતેષભાઈએ સાવચેતી રાખવાનું કહેતા જ ત્યાં રમી રહેલા છ જેટલા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. ગાળાગાળી કરી હુમલાખોરોએ ઝઘડો શરૂ કર્યો હતો. આ વિવાદમાં લીલા રંગનું શર્ટ પહેરેલા હનીફ હાસમ નામના શખ્સે ઉશ્કેરાઈને હિતેષભાઈના માથાના ભાગે બેટનો જોરદાર ફટકો મારી દીધો હતો, જેના કારણે તેમને ગંભીર હેમરેજ અને ફ્રેક્ચર જેવી જીવલેણ ઈજાઓ પહોંચી હતી. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર ઋષભ પર પણ આ શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં તેને માથામાં પાંચ જેટલા ટાંકા આવ્યા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં પિતા-પુત્રને સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હિતેષભાઈની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે ચેતનભાઈએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હનીફ હાસમ અને નાઝીર નુર મહોમ્મદ સહિત છ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જાહેરમાં થયેલા આ હુમલા અને જાનથી મારી નાખવાની ધમકીના પગલે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પીઆઈ એમ.ડી. ચૌધરીએ તપાસ હાથ ધરી છે. જેમાં કેટલાક શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Comments