Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લા ભાજપમાં વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂક માટે મનોમંથન તેજ

26 February



હોળાષ્ટક બાદ નવા હોદ્દેદારોના નામોની વિધિવત જાહેરાત થવાની શક્યતા : પ્રભારીઓની નિમણૂક સાથે વરણીનો માર્ગ મોકળો થયો

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જિલ્લા કક્ષાની મુખ્ય ટીમની જાહેરાત બાદ હવે વિવિધ મોરચાઓના માળખાને આખરી ઓપ આપવા માટેની હિલચાલ તેજ બની છે. જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ જિલ્લા સમિતિની રચનાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પક્ષના વિવિધ પાંખ સમાન યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો, અનુસૂચિત જાતિ અને લઘુમતી મોરચા સહિતના તમામ મોરચાઓમાં સક્ષમ અને કર્મઠ હોદ્દેદારોની વરણી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રદેશ હાઈકમાન્ડના સીધા માર્ગદર્શન હેઠળ આ નિમણૂકો માટે અત્યારે ગંભીર મનોમંથન ચાલી રહ્યું છે અને આગામી સમયમાં નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
વર્તમાન સમયમાં હોળાષ્ટકનો સમયગાળો ચાલી રહ્યો હોવાથી ધાર્મિક માન્યતાઓ અને પક્ષની પરંપરા મુજબ નવી વરણીઓ હાલ પૂરતી રોકી રાખવામાં આવી છે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ હોળાષ્ટક પૂર્ણ થયા બાદ તુરંત જ વિવિધ મોરચાઓના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવશે. આ પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અનુસાર હોળાષ્ટક શરૂ થાય તે પૂર્વે જ ગત ૨૪મી ફેબ્રુઆરીના રોજ વિવિધ મોરચાઓના પ્રભારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. આ પ્રભારીઓની નિમણૂક થતાની સાથે જ હવે સંગઠનના માળખાને પૂર્ણ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે અને ટૂંક સમયમાં જ કચ્છ ભાજપનું નવું અને મજબૂત સંગઠન માળખું કાર્યરત થઈ જશે.


.....................


જિલ્લા ભાજપના વિવિધ મોરચા પ્રભારીઓની નિયુક્તિ 

ભુજ - કચ્છઉદય : ગુજરાત પ્રદેશ ભાજપ ની સૂચના અનુસાર કચ્છ જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ દ્વારા યુવા મોરચાના પ્રભારી તરીકે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ સંગાર, મહિલા મોરચા પ્રભારી તરીકે જિલ્લા ભાજપ મંત્રી છાયાબેન ગઢવી, કિસાન મોરચા પ્રભારી તરીકે ઉપપ્રમુખ વિકાસભાઈ રાજગોર, બક્ષીપંચ મોરચા પ્રભારી તરીકે ઉપપ્રમુખ મશરૂભાઈ રબારી, અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી તરીકે ઉપપ્રમુખ પ્રફુલસિંહ જાડેજા અને લઘુમતી મોરચાના પ્રભારી તરીકે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંકની નિયુક્તિ કરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM