બોર્ડ પરીક્ષાર્થીઓને જિલ્લા કલેક્ટર આનંદ પટેલનો શુભેચ્છા સંદેશ
કચ્છમાં ૪૫૦૦૦ વિદ્યાર્થીઓ કસોટીની એરણે ચડશે : ઝોન કચેરી ખાતે પરીક્ષાની તૈયારીની જિલ્લા શિક્ષણાધિકારીએ કરી સમીક્ષ ાસવારે ૯.૧૫ કલાકે જિલ્લાની ટીમ વિદ્યાર્થીઓને આવકારશે : પરીક્ષા પૂર્વ તૈયારીની સમીક્ષા
ભુજ - કચ્છઉદય : કાલથી શરૂ થનાર બોર્ડની જાહેર પરીક્ષા માટે જિલ્લા કલેકટર આનંદ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. તેઓએ જણાવ્યું હતું કે પરીક્ષા પહેલા તમે ખૂબ પુરુષાર્થ કરેલ છે. આત્મવિશ્વાસ સાથે અને કોઈપણ ભય વિના પરીક્ષા આપજો. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા સંદર્ભે સંદેશો આપી શુભેચ્છા પાઠવી હતી. વધુમાં તેમણે કચ્છ જિલ્લાના પાંચે ઝોનની મુલાકાત લઈ પરીક્ષાની તૈયારી નિહાળી હતી અને જરૂરી સમીક્ષા કરી હતી તેમજ પરીક્ષા ની તૈયારી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. કચ્છની તમામ ૧૭૨ બિલ્ડીંગ પરીક્ષા માટે છે જેમાં તમામ ભૌતિક સુવિધાઓ અને સીસીટીવીનું આખરી ચેકિંગ પણ કરી લેવામાં આવેલ છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને આવકારવાના કાર્યક્રમો રાખવામાં આવેલ છે, જેમાં વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ, કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી આવકાર આપવામાં આવશે. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અમુક કેન્દ્ર પર છાશ વિતરણ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની હોલ ટિકિટ માં લોકેશન સાથે હોવાથી પ્રથમ દિવસે સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચશે તેમ છતાં કોઈપણ વિદ્યાર્થી રસ્તામાં અટવાયેલ હશે તો રસીદ બતાવવાથી એસટી વિભાગ પોતાની બસમાં વિદ્યાર્થીને બિલ્ડીંગ સુધી પહોંચાડશે. પોલીસ હેલ્પલાઇન પર ફોન કરવાથી તેમજ જિલ્લા કંટ્રોલરૂમ ૦૨૮૩૨ ૨૫૦૧૫૬ પર ફોન કરવાથી સરકારી વાહન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે.
અંદાજિત ૧૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપવાના છે, ૫૩ જેટલા વિદ્યાર્થીઓ લહિયાની માગણી કરેલ છે. બોર્ડ દ્વારા પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક કલાકની ૨૦ મિનિટ એ રીતે કુલ ૬૦ મિનિટ વધારાની આપવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર બે પુરુષ અને બે સ્ત્રી પોલીસ કર્મી અને બે શિક્ષકોની ટીમ દ્વારા દરેક વિદ્યાર્થીઓનું ફ્રિસકિંગ કરવામાં આવશે. મોબાઈલ તેમજ કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વિદ્યાર્થીઓ સાથે ન લઈ જાય એવી ખાસ સૂચના આપવામાં આવી છે. અમુક કેન્દ્ર પર મેટલ ડિટેક્ટર લગાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. વધારામાં ૧૪ પરીક્ષા કેન્દ્રો પર પેરા મિલિટરી ફોર્સ અને ૩૦ પરીક્ષા કેન્દ્રો પર તકેદારી અધિકારી તરીકે ફરજ બજાવશે અને શિક્ષણ વિભાગ દ્વારા આપેલ ચેક લિસ્ટ મુજબ ની વિગતો જિલ્લા કંટ્રોલરૂમ પર દરરોજ જમા કરાવશે. આ વર્ષે ત્રણ કેદીઓ પણ પરીક્ષામાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે તેમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. સવારે ૭ વાગ્યાથી પ્રશ્નપત્રો અને પરીક્ષાલક્ષી અન્ય સાહિત્ય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે તે પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવશે. પરીક્ષાના ઝોનથી પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડ સુધી પાટા એપ્લિકેશન મારફતે પરીક્ષાના પેપરનું લાઈવ ટ્રેકિંગ કરવામાં આવશે. ચાલુ પરીક્ષાએ કોઈપણ પરીક્ષા કેન્દ્રને લાઈવ કરી સીસીટીવી કેમેરા મારફતે બાદ નજર રાખવામાં આવશે. રાજ્યકક્ષાએથી બે ફ્લાઇંગ સ્ક્વોર્ડ અને જિલ્લા કક્ષાએથી ચાર વિજિલન્સ ટીમ સ્ક્વોર્ડ તરીકેની કામગીરી કરશે અને સમગ્ર જિલ્લામાં પરીક્ષાની સંપૂર્ણ કામગીરીની દેખરેખ રાખશે.
-----

Comments