ભુજની અદાલતમાં ચેક બાઉન્સના કેસમાં મીડિએશન ફોર ધ નેશન અભિયાન અંતર્ગત સુખદ સમાધાન
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના ભુજ ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના મીડિએશન સેન્ટર દ્વારા વધુ એક જટિલ કેસમાં સફળ મધ્યસ્થી કરીને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે. નામદાર બીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છની કોર્ટમાં વર્ષ ૨૦૧૯થી પડતર રહેલા ચેક બાઉન્સ અને નાણાં વસૂલાત અંગેના ક્રિમિનલ કેસમાં બંને પક્ષકારોએ પરસ્પર સંમતિથી વિવાદનો અંત આણ્યો છે. રાષ્ટ્રવ્યાપી મીડિએશન ફોર ધ નેશન ડ્રાઈવ ૨.૦ અંતર્ગત નામદાર કોર્ટે આ કેસમાં સમાધાનની શક્યતાને જોતા તેને મધ્યસ્થી કેન્દ્રમાં મોકલવાનો નિર્ણય લીધો હતો.
આ કેસની વિગતો મુજબ, અરજદાર દ્વારા સામાવાળા વિરુદ્ધ મની રિકવરી માટે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ચાલતા આ કાયદાકીય વિવાદને મીડિએશન સેન્ટર ખાતે કેસ તરીકે નોંધવામાં આવ્યો હતો, જેમાં મીડિએટર તરીકે પ્રિન્સિપલ સીનિયર સિવિલ જજ કે. સી. જોષીની નિમણૂક કરવામાં આવી હતી. બંને પક્ષોએ ભૂતકાળના મતભેદો બાજુ પર મૂકીને આર્થિક લેવડ-દેવડના મામલે પતાવટ કરવા તૈયારી દર્શાવી હતી. અંતે, બંને પક્ષોની સહમતિથી ચેક બાઉન્સ વિષયક તકરારનું કાયમી ધોરણે સમાધાન થયું હતું.
--------

Comments