ભચાઉમાં ટ્રેઈલરે છકડા રીક્ષાને ટક્કર મારતા પાંચ ઘવાયા, મહિલાનું મોત
અજાપર પાટિયા પાસે પગપાળા જતા યુવાનનું વાહન હડફેટે મોત
ભુજ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ભચાઉ અને અંજારના અજાપર પાટિયા પાસે બનેલી ઘટનામાં બે લોકોના મોત થયા છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ સામખિયાળીથી ભચાઉ આવતા નેશનલ હાઈવે પર વે વેઈટ હોટલની સામે હાઈવે રોડથી સર્વિસ રોડ ઉતરવાના કટ પાસે આ બનાવ બન્યો હતો. ફરિયાદી મૂળ મધ્યપ્રદેશના હાલે ભચાઉમાં રહેતા જેલુભાઈ જયમલભાઈ ખડિયાના જણાવ્યા પ્રમાણે તેમના કાકા પ્રેમાભાઈ, કાકી વીધુબેન તથા પાડોશી સાધુ ગામોટ, કાળાબેન ગામોટ છકડો રીક્ષા નં.જીજે૧ર - એવાય - ૭૮૩૭ મા બેસીને ઘરે આવતા હતા ત્યારે હાઈવે રોડ પર વે વેઈટ હોટલની સામે રામદેવપીર છાડવારા સર્વિસ રોડ પરથી આવતા ટ્રેઈલર નંબર જીજે૧ર - સીવી - ૬પ૯૯ ના ચાલકે છકડાને ટક્કર મારતા રીક્ષાના ડ્રાઈવર સહિત પાંચને ઈજાઓ થઈ હતી. જેમાં ફરિયાદીના કાકી વીધુબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે મામલે ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ તરફ ભીમાસર-ભુજ હાઈવે રોડ પર અજાપર ગામના પાટિયા પાસે બીજો બનાવ બન્યો હતો. ફરિયાદી મૂળ યુપીના સંદીપ સંતરામ યાદવના જણાવ્યા પ્રમાણે તેમના મોટા ભાઈ ૩ર વર્ષિય દાનબહાદુર કંપની બહાર આવેલ હાઈવે રોડ પર અજાપર ગામના પાટિયા પાસે પગપાળા જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments