Trending News
સ્થાનિક સમાચાર

ભુજ વર્તુળમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી વેગીલી : ૫૮ હજારથી વધુ મીટરો કાર્યરત

25 February


માંડવી અને નખત્રાણા સહિતના પેટા વિભાગોમાં ૧ ફેઝ અને ૩ ફેઝ મીટર લગાવવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે : મીટર ઇન્સ્ટોલેશનની સાથે સાથે કેબલ કનેક્ટિવિટી પર પણ વિશેષ ધ્યાન : વીજ ચોરી અટકાવવા અને ગ્રાહકોને સચોટ બિલિંગ મળી રહે તે માટે આધુનિકીકરણની પ્રક્રિયા અનિવાર્ય : ગ્રાહકોમાં નારાજગી

ભુજ - કચ્છઉદય : ભુજ વર્તુળ હેઠળના વિવિધ વિસ્તારોમાં વીજ ગ્રાહકોને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી હાથ ધરવામાં આવેલ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા સબ ડિવિઝન વાઈઝ મીટર ઇન્સ્ટોલેશન રિપોર્ટ અનુસાર ભુજ સર્કલમાં અત્યાર સુધીમાં કુલ ૫૮,૫૯૪ જેટલા મીટરોનું સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન કરી દેવામાં આવ્યું છે. આ કામગીરીમાં ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત માંડવી, મુન્દ્રા અને નખત્રાણા જેવા મુખ્ય વિભાગોને પણ આવરી લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો કુલ ઇન્સ્ટોલ થયેલા મીટરોમાં ૫૪,૮૦૦ જેટલા સિંગલ ફેઝ મીટર અને ૩,૪૬૭ જેટલા થ્રી ફેઝ મીટરનો સમાવેશ થાય છે જ્યારે ૩૩૫ જેટલા એલટીસીટી મીટરો પણ લગાવવામાં આવ્યા છે.
વિભાગવાર કામગીરીની સમીક્ષા કરતા માલૂમ પડે છે કે ભુજ ડિવિઝન હેઠળ આવતા ભુજોડી, માધાપર અને કુકમા જેવા વિસ્તારોમાં નોંધપાત્ર સંખ્યામાં મીટરો બદલવામાં આવ્યા છે. ખાસ કરીને ભુજ શહેરના રહેણાંક વિસ્તારોમાં સિંગલ ફેઝ મીટરની કામગીરી મોટા પાયે પૂર્ણ કરવામાં આવી છે. માંડવી ડિવિઝન હેઠળ આવતા ગઢસીસા, દહીંસરા અને મુન્દ્રાના ગ્રામ્ય પંથકોમાં પણ ટેકનિકલ ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરીને મીટર લગાવવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. નખત્રાણા વિભાગમાં પણ દયપર અને કોઠારા જેવા અંતરિયાળ ગામો સુધી વીજ તંત્રની આ ઝુંબેશ પહોંચી છે. આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર મીટર ઇન્સ્ટોલેશન જ નહીં પરંતુ વીજ વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે કેબલિંગની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
તંત્ર દ્વારા મીટર ઇન્સ્ટોલેશનની સાથે સાથે કેબલ કનેક્ટિવિટી પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ એમવીસીસી કેબલ માટે કુલ ૧,૪૪૨ સીકેએમનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેની સામે ૧,૩૫૧.૨૩૭ સીકેએમ જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. તેવી જ રીતે એલટી એબી કેબલિંગમાં ૨,૯૧૧ સીકેએમના લક્ષ્યાંક સામે ૧૬૭.૩૬ સીકેએમની કામગીરી પ્રગતિમાં છે. સમગ્ર જિલ્લામાં વીજ ચોરી અટકાવવા અને ગ્રાહકોને સચોટ બિલિંગ મળી રહે તે માટે આ આધુનિકીકરણની પ્રક્રિયા અત્યંત અનિવાર્ય હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં બાકી રહેલા વિસ્તારોમાં પણ ઝડપથી કામગીરી પૂર્ણ કરીને સમગ્ર ભુજ વર્તુળને સ્માર્ટ મીટરથી સજ્જ કરવાનું લક્ષ્ય સેવવામાં આવ્યું છે જેનાથી વીજ વિતરણમાં થતો વ્યય ઘટશે અને ગ્રાહકોની ફરિયાદોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી કરાઈ રહી છે, જેથી લોકોમાં નારાજગી પણ ફેેલાઈ છે.

 

Comments

COMMENT / REPLY FROM