ગાંધીધામ મહાનગરપાલિકા માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સામાન્ય ચૂંટણીઓ અન્વયે વહીવટી પ્રક્રિયા તેજ કરી જવાબદારીઓ સોં૫વામાં આવી
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છ સહિત ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. પ્રમુખ રાજકીય પક્ષો ઉપરાંત ચૂંટણી તંત્રએ પણ ચૂંટણીઓ માટેની તૈયારીઓ વેગવાન કરી છે ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્રને સજ્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આયોગ દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના તમામ વોર્ડ માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની સત્તાવાર નિમણૂક કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા જારી કરવામાં આવેલા હુકમ મુજબ ગાંધીધામના કુલ ૧૩ વોર્ડ માટે અલગ-અલગ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જેમાં વોર્ડ નંબર ૧ થી ૭ માટે ભુજ-કચ્છના નાયબ બાગાયત નિયામકને ચૂંટણી અધિકારી તરીકે અને ગાંધીધામના મામલતદારને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.તેવી જ રીતે ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૮ થી ૧૩ માટે જિલ્લા પુરવઠા અધિકારીને ચૂંટણી અધિકારી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમની સાથે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે આદિપુર-ગાંધીધામના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામકની વરણી કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓ સંબંધિત કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આગામી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરશે. આ હુકમની નકલ કચ્છના જિલ્લા કલેક્ટર અને ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરને જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે જેથી ચૂંટણીલક્ષી કામગીરી સમયસર અને સુચારુ રીતે પૂર્ણ કરી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ મહાનગરપાલિકાનું ફાઈનલ સીમાંકન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે બાદ ચૂંટણી અધિકારીની નિયુક્તિ થતા કામગીરી વધુ વેગવાન થશે.

Comments