કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ભુજમાં ધરણા
દિલ્હીમાં યોજાયેલ એઆઈ સમિટમાં કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનના ઘેરા પ્રત્યાઘાત
ભુજ - કચ્છઉદય : દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આયોજિત ગ્લોબલ એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસના યુવા નેતાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાને ભારતીય સંસ્કૃતિ અને દેશના ગૌરવ પર પ્રહાર ગણાવી કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ભુજના જ્યુબિલી સર્કલ પાસે વિશાળ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લા ભાજપના મહિલા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાઈને કોંગ્રેસના આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.
આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પારુલબેન કારાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજિત એઆઈ સમિટ એ કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નહોતો, પરંતુ ભારતના યુવાનોના સપના સાકાર કરવા માટેનો એક રાષ્ટ્રીય મંચ હતો. ભારત જ્યારે અતિથિ દેવો ભવની ભાવનામાં માને છે, ત્યારે આંતરરાષ્ટ્રીય મહેમાનોની હાજરીમાં કોંગ્રેસના યુવા કાર્યકરોએ જે રીતે અશોભનીય વર્તન કર્યું છે તે દેશની ગરિમાને ઠેસ પહોંચાડનારું છે. મુન્દ્રા-બારોઈ નગરપાલિકાના પ્રમુખ અને કચ્છ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રચનાબેન પ્રણવ જોશીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશ ૪૦થી વધુ રાષ્ટ્રો સાથે જોડાઈને ટેકનોલોજીના ક્ષેત્રે એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની રહ્યો હતો, ત્યારે કોંગ્રેસના યુવા પાંખના સભ્યોએ ટી-શર્ટ ઉતારીને કરેલું કૃત્ય અત્યંત શરમજનક છે. કોંગ્રેસે વિરોધના નામે મર્યાદાઓ ઓળંગી છે. કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજિત આ ધારણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------

Comments