Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૧૪ માર્ચના રોજ લોક અદાલતનું આયોજન

24 February



ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૧૪/૦૩ શનિવારના રોજ કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓની અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશિયલ મેજિસ્ટ્રિરીયલ સિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં અદાલતમાં પડતર હોય તેવા ફોજદારી સમાધાન પાત્ર ગુનાઓ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટના કેસો, બેંક રિકવરી, લેબર વિવાદો, લગ્ન વિષયક પ્રશ્નો, જમીન સંપાદન વળતર, ગ્રાહક તકરાર, વીજ કંપનીના કેસો, મોટર અકસ્માત વળતર અને દીવાની કેસોનો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત, જે કેસો હજુ અદાલતમાં પહોંચ્યા નથી તેવા પ્રિ-લિટીગેશન કેસો જેવા કે પબ્લિક યુટિલિટી સર્વિસ અને પાણીના બાકી લેણાંના પ્રશ્નો પણ હાથ ધરાશે. વિશેષમાં, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને નોટિસ પાઠવી બાકી દંડની રકમ ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી છે. ચલણની વિગતવાર માહિતી માટે વાહન ચાલકો નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભુજનો સંપર્ક કરી શકે છે. લોક અદાલત અંગે વધુ માહિતી માટે જિલ્લા કક્ષાએ ભુજ સ્થિત કચેરી અથવા રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુંદ્રા, માંડવી, નલિયા, દયાપર અને નખત્રાણા ખાતેની તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે.
-------- 

Comments

COMMENT / REPLY FROM