મહાવીર જૈન બોર્ડીંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
ભુજ - કચ્છઉદય : તાજેતરમાં રાપર અને ભુજ સ્થિત મહાવીર જૈન બોર્ડીંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. ભુજ, મુંબઈ, રાપર, અમદાવાદ, અંજાર, સુરત, ગાંધીધામ, દુબઈ ગામે ગામથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૯૫૫માં જે બોર્ડિંગની સ્થાપના થઈ હતી તેનું શાયદ આ પ્રથમ સ્નેહમિલન હતું. જુના મિત્રો એકબીજાને મળી આનંદ વ્યકત કર્યો હતો તો કયાંક આંખોમાંથી અશ્રુઓ દ્વારા એ પ્રેમ વ્યકત પણ થયો હતો. ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે, યારી હૈ ઈમાન મેરા યાર મેરી જીંદગી’ જેવા ગીતો દ્વારા સૌ જુમ્યા હતા. બાળપણને યાદ કરવા માટે કિસમી ચોકલેટ, ચકોતરા પીપર, મીઠા કાજુ, રૂલ, ભુંગળાં, ખારીસીંગ વિગેરે ખાઈને બાળપણમાં સ્કૂલમાં ખાતાં હતા તે નાસ્તાની જુની યાદો તાજી થઈ હતી. સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય પ્રોગામના પ્રમુખસ્થાને રહેનાર મહાવીર જૈન બોર્ડીંગ અને રાઘવજી દિપચંદ ધર્મશાળાના પ્રમુખ વિનોદભાઈ ત્રિભોવન મહેતા, વીબીસી મોટા સમાજના પ્રમુખ કીર્તિભાઈ કેવશલાલ સંઘવી, સમાજના ભૂતપૂર્વ પ્રમુખો ભોગીલાલ નેમચંદ મહેતા, વસંતભાઈ ધનજીભાઈ ખડોર, પંકજભાઈ અનોપચંદ મહેતા, કાંતીભાઈ શરૂપચંદ વોરા, નાનાલાલ સેજપાલ મહેતા, સમાજની અન્ય સંસ્થાના પ્રમુખ - મંત્રી અને ૭૦ વર્ષથી મોટી ઉમરના આ બોર્ડિંગમાં અભ્યાસ કરી ગયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. દિપપ્રાગટય કરીને સમારભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રફુલભાઈ વોરા દ્વારા ‘જયોત સે જયોત જગાતે ચલો’ ની પ્રાર્થના રજુ કરવામાં આવી હતી.
બોર્ડીંગના સ્થાપક પ્રમુખ મગનલાલ પોપટલાલ મહેતા તેમજ તેમની ટીમ અને જગ્યાના દાતા રાઘવજી દિપચંદ પરિવારની એજયુકેશન પ્રત્યેની દિર્ઘદ્રષ્ટી અને ઉદારતાને યાદ કરીને આભારની લાગણી વ્યકત કરી હતી. ત્યારબાદ બોર્ડીંગમાં ગવાતી પ્રાર્થના ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું’ સમુહમાં ગાઈને ભગવાનને યાદ કર્યા હતા તેમજ સંસ્થાની શરૂઆતથી આજદિન સુધી દિવંગત થયેલ વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ અને સ્ટાફને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલી અર્પી હતી. શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ ત્રિભોવન મહેતાએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. વીબીસી મોટા સમાજના પ્રમુખ કીર્તિભાઈ કેવશલાલ સંઘવીએ આવો અભૂતપૂર્વ સમારોહ ગોઠવવા બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આવા પ્રોગ્રામ કરવાથી આપણી એકતા અને લાગણીઓમા વધારો થાય છે. વીબીસી સમાજ મહામત્રી સંદિપભાઈ દોશીએ આવા સમારોહ બદલ ખુશી વ્યકત કરીને હું આ બોર્ડીંગમાં નથી ભણી શકયો તેનો અફસોસ વ્યકત કર્યો હતો.
પંકજભાઈ મહેતા, ભોગીલાલ મહેતા, વસંતભાઈ ખંડોર, કાંતીભાઈ વોરા, રમણીકભાઈ મહેતા, પ્રવિણભાઈ મહેતા, રમણીકલાલ ખંડોર, મહેન્દ્રભાઈ વોરા, યોગેશભાઈ દોશી, રમેશભાઈ દોશી, રસીકભાઈ વોરા તેમજ ઘણા બધા માજી વિદ્યાર્થીઓએ પોતાના ભાવો વ્યકત કર્યા હતા. સમગ્ર પ્રોગ્રામનું આયોજન વીબીસી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અને રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા અને નરેન્દ્ર વાડીલાલ શાહે કર્યું હતું. તેમની સાથે આ જ સંસ્થાના માજી વિદ્યાર્થીઓ ધનસુખ જયંતીલાલ મોરબીઆ, વિજય કાંતીલાલ મહેતા, મૌલિક રમેશભાઈ મોરબીઆ, વિશાલ મુકતીલાલ શાહ, ચિરાગ નવિનચંદ્ર વોરા, હર્ષદ અરમશી મહેતાએ સહયોગ આપ્યો હતો.
આ સંસ્થામાં અભ્યાસ કરીને કેટલાય વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે, જેમાં ધારાસભ્ય, સમાજના પ્રમુખો અને સમાજ સેવક, મોટા મોટા બીઝનેશમેન, ડોકટર, સીએ, ગર્વમેન્ટ અને બેંકોમાં ઉચચતમ હોદાઓ પર બિરાજે છે. તેમજ કેટલાય મિત્રો ધર્મધ્યાનમાં આગળ વધીને દિક્ષાર્થી પણ બન્યા છે. જેમકે ભરત મણિલાલ મહેતા પૂજય ભવ્ય મુનિ મહારાજ સાહેબ, અજીત બાબુલાલ સંઘવી પૂજય અનંતમૃૂનિ મહારાજ સાહેબ, અનિલ કાંતિલાલ શાહ પૂજય આર્યશેખર મૂનિ મહારાજ સાહેબ, દિપેશ જેઠાલાલ મોરબીઆ પૂજય ચૈત્યમુનિ મહારાજ સાહેબ, પિયુષ કાંતિલાલ મહેતા પરમભવ્યમૂનિ મહારાજ સાહેબ પૂજનીય થયા છે.
આ સંસ્થાના માજી ગૃહપતિ ઝવેરચંદ લક્ષ્મીચંદ દોશીને સૌએ યાદ કરીને તેમની પ્રસંસા કરી હતી. વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં તેઓનો વિરાટફાળો છે. તેમણે અમૂલ્ય સંસ્કારો આપ્યા છે એમ સૌ એ આભાર વ્યકત કર્યો હતો. બપોર પહેલાના સેશનમાં તેઓનું મરણોતર સન્માન કરવામાં આવ્યું હતું. જે તેમના પુત્ર ભોગીલાલ દોશી અને તેમના પરિવારજનો દ્વારા સ્વીકારાયું હતું. એ પછીના ગૃહપતિ નાગજીભાઈ મોરબીઆનું સન્માન તેમની પુત્રી કલ્પનાબેન ખંડોરે સ્વીકાર્યું હતું. આ ઉપરાંત કે.વી. પાઠક, નિશિધ માંકડ, રમેશભાઈ મહેતા, જ્યોતિબેન તેમજ રસોયા ઈશ્વરભાઈનું સાલ અને મોમેન્ટો આપીને સંસ્થાના અગ્રણીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કુમારી વૃષ્ટિ અનિલભાઈ મહેતાએ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું. આભારવિધિ નરેન્દ્ર વાડીલાલ શાહે કરી હતી.
------

Comments